Cruise Drugs Party Case: 'NCB ની ટીમમાં હતો ભાજપનો કાર્યકર્તા', NCPના આરોપ પર એજન્સીએ શું આપ્યો જવાબ?
નોંધનીય છે કે ક્રૂઝ પર પાર્ટી મામલે એનસીબીએ અત્યાર સુધી બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સહિત 17 લોકોની ધરપકડ કરી છે
Cruise Drugs Party Case: ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી પર દરોડા મામલે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી એનસીપીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે મુંબઇના દરિયા નજીક એક ક્રૂઝ પર બે ઓક્ટોબરના રોજ એનસીબીએ દરોડા પાડ્યા હતા એ નકલી હતા અને આ દરમિયાન ડ્રગ્સ પણ મળ્યું નથી.
એનસીપીના પ્રવક્તા અને મહારાષ્ટ્રના લઘુમતી મામલાના મંત્રી નવાબ મલિકે દરોડા દરમિયાન એનસીબીની સાથે બે લોકોની હાજરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે તેમાંથી એક વ્યક્તિ ભાજપનો સભ્ય હતો. એનસીબીએ આ મામલે સ્પષ્ટતા કરી છે.
નોંધનીય છે કે ક્રૂઝ પર પાર્ટી મામલે એનસીબીએ અત્યાર સુધી બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સહિત 17 લોકોની ધરપકડ કરી છે. નવાબ મલિકે કેટલાક વીડિયો અને ફોટો પણ જાહેર કર્યા એનસીપી નેતાએ કહ્યું કે વીડિયોમાં આર્યન ખાનની સાથે ચાલી રહેલો વ્યક્તિ એનસીબીનો અધિકારી નથી અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઇલ અનુસાર તે કુઆલાલમ્પુરમાં રહેનારો એક પ્રાઇવેટ જાસૂસ છે. મલિકે આરોપ લગાવ્યો કે તે સિવાય એક અન્ય વીડિયોમાં બે વ્યક્તિઓને આ મામલામાં ધરપકડ કરાયેલા અરબાજ મર્ચન્ટને લઇને જતા જઇ શકાય છે અને તેમાંથી એક ભાજપનો સભ્ય છે. જેનું નામ મનીષ ભાનુશાળી છે.
તેમણે કહ્યું કે જો આ બંન્ને એનસીબીના અધિકારી નથી તો તે હાઇ પ્રોફાઇલ લોકોને કેમ લઇ જઇ રહ્યા છે. મલિકે કહ્યું કે ભાજપ એનસીબીના લોકોનો ઉપયોગ મહારાષ્ટ્ર સરકાર અને બોલિવૂડને બદનામ કરવા કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે એનસીબી એ લોકોને નિશાન બનાવી રહ્યું છે જે ભાજપના વિરોધમાં છે.
તેમણે દાવો કર્યો કે લક્ઝરી ક્રૂઝ લાઇનર પર પડેલી એનસીબી રેડ નકલી હતી. આ દરોડામાં કુલ આઠ લોકોની ધરપકડ઼ કરાયેલી છે. ક્રૂઝ લાઇનરમાંથી કોઇ ડ્રગ્સ મળી આવ્યું નથી. એનસીબીનો આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોને ફક્ત ફસાવાનો હેતું છે. કોગ્રેસના નેતાઓએ પણ વીડિયો જાહેર કરી દાવો કર્યો હતો કે ધરપકડ કરાયેલા લોકોને લઇને જઇ રહેલા ભાજપના કાર્યકર્તા છે.
મુંબઇમાં એનસીબીના ડિપ્ટી ડીજી જ્ઞાનેશ્વર સિંહે એનસીપીના આરોપ પર કહ્યું કે તેઓ (એનસીપી) કોર્ટમાં જવા માંગતા હોય તો જઇ શકે છે અને ન્યાય માંગી શકે છે. અમે ત્યા જવાબ આપીશું. અમે બધુ કાયદા અનુસાર કર્યું છે. જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે એનસીબી મુંબઇની ટીમે ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ ગ્રીન ગેટ મુંબઇ અને કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા અને કોકીન, ચરસ, એમડીએમએ જેવા ડ્રગ્સ સાથે આઠ લોકોની ધરપકડ કરી હતી.