Kerala Nipah Update: કેરળમાં નિપાહ વાયરસના પાંચ કેસ નોંધાયા, સંપર્કમાં આવેલા 700 લોકોમાંથી 77 હાઇ રિસ્ક પર
Kerala Nipah Update: રાજ્ય સરકારે ચેપને ફેલાતો રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે
![Kerala Nipah Update: કેરળમાં નિપાહ વાયરસના પાંચ કેસ નોંધાયા, સંપર્કમાં આવેલા 700 લોકોમાંથી 77 હાઇ રિસ્ક પર Nipah in Kerala: 5 cases; 700 people on contact list Kerala Nipah Update: કેરળમાં નિપાહ વાયરસના પાંચ કેસ નોંધાયા, સંપર્કમાં આવેલા 700 લોકોમાંથી 77 હાઇ રિસ્ક પર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/13/6f66b1ca94e25b7da0ddf39a67b793681694627106549599_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kerala Nipah Update: કેરળમાં બુધવારે (13 સપ્ટેમ્બર) વધુ એક નિપાહ સંક્રમિત દર્દી સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે. આ સાથે રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચેપને ફેલાતો રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે. દર્દીઓના સંપર્કમાં આવેલા 700 જેટલા લોકોની યાદી બનાવવામાં આવી છે. તેમાંથી 77 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
નિપાહ વાયરસના ચેપને કારણે રાજ્યમાં બે દર્દીઓના મોત પણ થયા છે. મંત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાઈ જવાનો ભય છે. રાજ્યએ ચેપને રોકવા માટે ઘણા પગલાં લીધાં છે. હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવેલા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે.
તહેવારો અને કાર્યક્રમો પર પ્રતિબંધ
જે માર્ગો પરથી જીવ ગુમાવનારા બે દર્દીઓ પસાર થયા હતા તેની માહિતી લોકોને આપવામાં આવી છે જેથી અન્ય લોકો તે માર્ગોનો ઉપયોગ ન કરે. કોઝિકોડ જિલ્લામાં જાહેર તહેવારો અને અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઝિકોડ જિલ્લાની 9 પંચાયતોના 58 વોર્ડને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. અહીં માત્ર ઈમરજન્સી સેવાઓને જ મંજૂરી છે. ઇમરજન્સી આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ખોલવાની છૂટ છે. ફાર્મસીઓ અને આરોગ્ય કેન્દ્રો માટે કોઈ સમય મર્યાદા નથી. કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવતા નેશનલ હાઈવે પર બસોને ન રોકવા માટે કહેવામાં આવ્યું છે.
9 વર્ષનો બાળક પણ પોઝિટિવ છે
કોઝિકોડમાં એક 9 વર્ષનો બાળક નિપાહથી પીડિત છે, જેની સારવાર માટે સરકારે ICMR પાસેથી મોનોક્લોનલ એન્ટિબોડીઝ મંગાવી છે. બાળક વેન્ટિલેટર સપોર્ટ પર છે. આ વખતે કેરળમાં ફેલાતો નિપાહ ચેપ બાંગ્લાદેશનો સ્ટ્રેન છે. તેનો ચેપ દર ઓછો છે, પરંતુ મૃત્યુ દર વધારે છે. વાયરસનો ચેપ માણસોમાંથી માણસોમાં ફેલાય છે. 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)