Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ!
પશ્ચિમ બંગાળમાં હાલમાં નિપાહ વાયરસ(Nipah virus)ની અસર જોવા મળી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, હવે વધુ ત્રણ લોકો નિપાહ માટે પોઝિટિવ આવ્યા છે.

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં હાલમાં નિપાહ વાયરસ(Nipah virus)ની અસર જોવા મળી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, હવે વધુ ત્રણ લોકો નિપાહ માટે પોઝિટિવ આવ્યા છે, જેના કારણે પશ્ચિમ બંગાળમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા પાંચ થઈ ગઈ છે. અગાઉ ચેપગ્રસ્ત મળી આવેલા બે આરોગ્ય કર્મચારીઓ હજુ પણ ICU માં સારવાર હેઠળ છે.
સારવાર હેઠળ રહેલા બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય અધિકારીઓએ આ દર્દીઓના સંપર્કમાં આવેલા આશરે 120 લોકોને ટ્રેક કર્યા છે. તેમને ઘરે જ એકાંતમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં આ ચેપી રોગના વધતા જતા બનાવોએ ડોકટરોને ચેતવણી આપી છે. નોંધનીય છે કે નિપાહ વાયરસ(Nipah virus)થી ચેપ દર અને મૃત્યુનું જોખમ બંને વધારે છે. 40-70% ચેપગ્રસ્ત દર્દીઓ મૃત્યુ પામે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આરોગ્ય અધિકારીઓ શું કહી રહ્યા છે ?
મીડિયા અહેવાલોને ટાંકીને એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ચેપના સ્ત્રોતને શોધવાનું મુશ્કેલ છે. તે વ્યક્તિ-થી-વ્યક્તિમાં ટ્રાન્સમિશન હોઈ શકે છે અથવા તે દૂષિત ફળો દ્વારા ફેલાયું હોઈ શકે છે. દર્દીઓનો રાજ્યની બહાર કોઈ પ્રવાસ ઇતિહાસ પણ નથી." આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઘણા સ્થળાંતર કામદારો આ સમયની આસપાસ ઘરે પાછા ફરે છે જેના કારણે ચેપનું જોખમ રહેલું છે. હાલમાં રોગ કેવી રીતે ફેલાઈ રહ્યો છે તે નક્કી કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
આ દરમિયાન, આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે અને પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. નિપાહ વિશે ગભરાવાની જરૂર નથી. પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસથી થયેલા મૃત્યુ બાદ, ઝારખંડ આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. આરોગ્ય મંત્રીએ તમામ જિલ્લાઓને કડક દેખરેખ, તાત્કાલિક રિપોર્ટિંગ અને જાહેર જાગૃતિ જાળવવા નિર્દેશ આપ્યો હતો. ત્યાં હજુ સુધી કોઈ કેસ મળ્યો નથી.
નિપાહ વાયરસ(Nipah virus) મુખ્યત્વે ચામાચીડિયા(Fruit Bats) દ્વારા ફેલાય છે. જોકે, ચામાચીડિયામાંથી તે ડુક્કર, પશુઓ કે મનુષ્યોમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગે વૈજ્ઞાનિકો પાસે હજુ કોઈ ચોક્કસ તારણ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે સંક્રમિત ચામાચીડિયાની લાળ કે પેશાબના સંપર્કમાં આવવાથી ચેપ લાગી શકે છે. નિપાહ વાઈરસમાં મૃત્યુદર 70% જેટલો ઊંચો હોવાથી તે અત્યંત જોખમી માનવામાં આવે છે.





















