(Source: ECI/ABP News/ABP Majha)
Odisha: ઓડિશામાં મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ સમારોહની તારીખમાં ફેરફાર, હવે આ તારીખે યોજાશે કાર્યક્રમ
Odisha CM Swearing-in Ceremony: ઓડિશામાં મુખ્યપ્રધાનના શપથગ્રહણની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Odisha Chief Minister Oath: ઓડિશામાં મુખ્યપ્રધાનના શપથગ્રહણની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા શપથ ગ્રહણ સમારોહ 10 જૂને થવાનો હતો, પરંતુ હવે તે 12 જૂને થશે. 11મી જૂને ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ વખતે ભાજપે 147 બેઠકોવાળી ઓડિશા વિધાનસભામાં 78 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. રાજ્યના મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપ દ્વારા હજુ સુધી સીએમ પદના દાવેદારના નામની જાહેરાત કરવામાં આવી નથી.
નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન) સાંજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. ઓડિશાના મુખ્યપ્રધાનનું નામ તેમના શપથ ગ્રહણ બાદ જ નક્કી કરવામાં આવશે. બીજેપી ઓડિશાના વડા મનમોહન સામલે મુખ્યમંત્રીના નામ અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે અમારે હજુ બે દિવસ રાહ જોવી પડશે. તેમણે કહ્યું કે અત્યારે તેમની પાસે રાજ્યના આગામી મુખ્યમંત્રી વિશે કોઈ માહિતી નથી. ઓડિશામાં ભાજપે 21માંથી 20 લોકસભા બેઠકો જીતી છે.
મુખ્યમંત્રીની રેસમાં કોણ સામેલ?
ઓડિશાના મુખ્યમંત્રી બનવાની રેસમાં પહેલું નામ ધર્મેન્દ્ર પ્રધાનનું છે, જેઓ તાજેતરમાં સંબલપુર લોકસભા બેઠક પરથી જીત્યા હતા. જો કે મોદી સરકારમાં તેમના કેબિનેટ મંત્રી બને તેવી શક્યતાઓ છે. એ જ રીતે ઓડિશા બીજેપીના વડા મનમોહન સામલ પણ દાવેદાર છે, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા છે. ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ અને જમ્મુ-કાશ્મીરના એલજી ગિરીશ ચંદ્ર મુર્મુ પણ સીએમ બનવાની રેસમાં છે.
આ સિવાય છ વખતના ધારાસભ્ય કેવી સિંહ દેવ પણ સીએમની રેસમાં સામેલ છે. મોહન માંઝીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, જેઓ એક કુશળ નેતાની સાથે સાથે આદિવાસી લોકોનો અવાજ ઉઠાવનારા રાજકારણી તરીકે પણ જાણીતા છે. રાબી નારાયણ નાઈક પણ આવા જ એક નેતા છે, જેઓ આદિવાસી મુદ્દા ઉઠાવતા રહ્યા છે.