પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા
મંગળવારે (22 એપ્રિલ 2025) આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામમાં પ્રવાસીઓના ગ્રુપ પર હુમલો કર્યો હતો.

જમ્મુ કાશ્મીર: મંગળવારે (22 એપ્રિલ 2025) આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામમાં પ્રવાસીઓના ગ્રુપ પર હુમલો કર્યો હતો. પોલીસ યુનિફોર્મમાં બેથી ત્રણ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકી હુમલામાં 28થી વધુ લોકોના મોતની આશંકા છે.
આ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. NIAની ટીમ બુધવારે (23 એપ્રિલ 2025) પહેલગામ જઈ શકે છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને આ હુમલાની જાણકારી આપી. પીએમ સાથે વાત કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે ઈમરજન્સી બેઠક બોલાવી અને પછી શ્રીનગર જવા રવાના થઈ ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. આ 28 લોકોમાંથી 27 પ્રવાસી અને એક સ્થાનિક નાગરિક હોવાનીઆશંકા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મૃત્યુઆંક વધી શકે છે. સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પોતે દિલ્હીથી શ્રીનગર જવા રવાના થયા છે.
આતંકવાદીઓને મારવા માટે ઓપરેશન શરૂ થયું
પ્રાપ્ત માહિતી અનુસાર, આટલા મોટા આતંકી હુમલા બાદ આતંકીઓને ખતમ કરવા માટે એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન ભારતીય આર્મી વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસની SOG અને CRPF દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આતંકવાદી હુમલાના સમાચાર સામે આવતાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં સેના અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં હુમલા બાદની સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ અમિત શાહ કાશ્મીર જવા રવાના થયા હતા.
વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

