Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ- 'સાર્વજનિક માફી માટે તૈયાર'
Patanjali Ayurved Case:બંનેના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે અમે સાર્વજનિક માફી માટે તૈયાર છીએ, જેથી લોકોને પણ ખબર પડે કે અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે ગંભીર છીએ
Patanjali Misleading Ad Case: પતંજલિની ભ્રામક જાહેરખબરના કેસમાં મંગળવારે (16 એપ્રિલ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાહની ખંડપીઠે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કહ્યું હતું કે તમારી ખૂબ પ્રતિષ્ઠા છે. તમે ઘણુ બધું કર્યું છે.
Supreme Court posts Patanjali’s misleading advertisements case for hearing on April 23.
— ANI (@ANI) April 16, 2024
They have to be present on the next date of hearing. https://t.co/uQx4CaRSr0
બંનેના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે અમે સાર્વજનિક માફી માટે તૈયાર છીએ, જેથી લોકોને પણ ખબર પડે કે અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે ગંભીર છીએ. તેના પર જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે આ માટે તમને અમારી સલાહની જરૂર નથી.
Patanjali’s misleading advertisements case: Senior advocate Mukul Rohatgi tells Supreme Court that Ramdev is willing to make a public apology.
— ANI (@ANI) April 16, 2024
Justice Hima Kohli says Court wants to hear what Ramdev and Balkrishna have to say and asks them to come forward.
Bench rises for few… pic.twitter.com/UjaHzTg0t7
જસ્ટિસ કોહલીએ બાબા રામદેવને પૂછ્યું હતું કે શું તમે કોર્ટ વિરુદ્ધ જે કર્યું તે યોગ્ય છે? તેના પર બાબા રામદેવે કહ્યું કે અમારે એટલું જ કહેવું છે કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી સ્વીકારી છે.
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને પૂછ્યું- તેમણે કોર્ટની અવમાનના કેમ કરી?
જસ્ટિસ કોહલીએ કહ્યું હતું કે આ તમારા વકીલે કહ્યું છે. અમે જાણવા માંગીએ છીએ કે તમે અંડરટેકિંગના આગામી દિવસે પ્રેસ કોન્ફરન્સ શું વિચારીને કરી હતી. આપણા દેશમાં આયુર્વેદ ખૂબ જ પ્રાચીન છે. તે મહર્ષિ ચરકના સમયથી છે. દાદીમા ઘરગથ્થુ ઉપચાર પણ કરે છે. શા માટે તમે અન્ય પદ્ધતિઓને ખરાબ કહો છો? શું એક જ પદ્ધતિ હોવી જોઈએ? આ બાબા રામદેવે કહ્યું કે અમે આયુર્વેદ પર ઘણું સંશોધન કર્યું છે. તો ન્યાયાધીશે કહ્યું કે તે ઠીક છે. તમે તમારા સંશોધનના આધારે કાનૂની આધાર પર આગળ વધી શકો છો પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે તમે આ કોર્ટની અવગણના કેમ કરી?
બાબા રામદેવે કહ્યું- અમને કાયદાનું ઓછું જ્ઞાન છે
તેના પર બાબા રામદેવે કહ્યું હતું કે અમને કાયદાનું ઓછું જ્ઞાન છે. અમે ફક્ત લોકોને અમારા સંશોધન વિશે માહિતી આપતા હતા. કોર્ટનો અનાદર કરવાનો કોઈ ઈરાદો નહોતો. ત્યારે ન્યાયાધીશે કહ્યું કે તમે અસાધ્ય રોગોની દવાનો દાવો કરો છો. કાયદાકીય રીતે આવા રોગો માટેની દવાઓની જાહેરાત કરવામાં આવતી નથી. જો તમે દવા બનાવી હોત તો કાયદાકીય પ્રક્રિયા મુજબ સરકારને જાણ કરી હોત અને તેના પર આગળનું કામ થયું હોત. તેના પર બાબા રામદેવે કહ્યું કે અમે ઉત્સાહથી લોકોને અમારી દવા વિશે માહિતી આપી રહ્યા હતા. અહીં કોર્ટમાં આ રીતે ઊભા રહેવું મારા માટે પણ અશોભનીય છે. અમે ભવિષ્યમાં પાલન કરીશું.
'તમે સારું કામ કરો છો, કરતા રહો પણ..'
જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે તમારે એલોપેથીને ખરાબ કહેવાની જરૂર નથી. તમે સારું કામ કરી રહ્યા છો. તેને કરતા રહો. બીજા વિશે કેમ કંઈ બોલવું? તેના પર બાબા રામદેવે કહ્યું કે એલોપેથી અને આયુર્વેદ વચ્ચેનો સંઘર્ષ લાંબો છે. અમે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરીએ.
જસ્ટિસ કોહલીએ કહ્યું હતું કે અમે એવું માની શકીએ નહીં કે તમારા વકીલોએ કોર્ટમાં અંડરટેકિંગ દાખલ કર્યા પછી પણ તમને કાયદાની જાણ થઇ નહોતી. તેથી અમે જોઈશું કે અમે તમારી માફી સ્વીકારીએ છીએ કે નહીં. આના પર બાલકૃષ્ણએ કહ્યું હતું કે પૂજ્ય સ્વામીજીનો પતંજલિના કાર્ય સાથે કોઈ સંબંધ નથી. તો જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે તમે આ દલીલ કરી રહ્યા છો. માફી માંગ્યા પછી દલીલ સ્વીકારવામાં આવતી નથી. સાથે જ બાબા રામદેવે કહ્યું કે હું એજ કહેવા માંગું છું કે અમે અમારી ભૂલ માટે માફી માંગીએ છીએ.
આગામી સુનાવણી 23 એપ્રિલે
બાબા રામદેવ અને બાલકૃષ્ણના વકીલ રોહતગીએ કહ્યું કે એક સપ્તાહનો સમય આપો. આ વચ્ચે અમે જરૂરી પગલા લઇશું. તેના પર જસ્ટિસ કોહલીએ કહ્યું કે ઠીક છે. અમે 23 એપ્રિલે સુનાવણી કરીશું, તિરસ્કારના આરોપીઓએ પોતે જ કેટલાક પગલાં લેવાની વાત કરી છે. અમે આ તક આપી રહ્યા છીએ.