(Source: ECI/ABP News/ABP Majha)
કેન્દ્ર અને ત્રણ રાજ્ય સરકારનો પગારથી વધુ થયો પેન્શન ખર્ચ, કેગ રિપોર્ટમાં ખુલાસો
કોંગ્રેસ શાસિત બે રાજ્યો (રાજસ્થાન અને છત્તીસગઢ) પહેલાથી જ OPS લાગુ કરવાનો નિર્ણય કરી ચૂક્યા છે.
CAG Report On Pension Bill: આજકાલ પેન્શનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. લગભગ દરેક રાજકીય પક્ષોએ પેન્શનને મુદ્દો બનાવ્યો છે અને તેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. કેગનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જે દર્શાવે છે કે પેન્શન બિલ કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે એક મોટો ખર્ચ બની ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ઝડપથી વધ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર, પેન્શન બિલ 2019-20 દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સહિત ત્રણ રાજ્યોના 'પગાર અને વેતન' ખર્ચ કરતાં વધુ હતું.
ઉલ્લેખનીય છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક મુખ્ય ચૂંટણી વચન તરીકે ઉભરી આવ્યું છે. કોંગ્રેસ શાસિત બે રાજ્યો (રાજસ્થાન અને છત્તીસગઢ) પહેલાથી જ OPS લાગુ કરવાનો નિર્ણય કરી ચૂક્યા છે. જ્યારે પાર્ટીએ વચન આપ્યું છે કે જો તેમની સરકાર આવશે તો ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે
CAGના રિપોર્ટમાંથી શું થયો ખુલાસો
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, 2019-20 દરમિયાન કેન્દ્રનો કુલ પ્રતિબદ્ધ ખર્ચ રૂ. 9.78 લાખ કરોડ હતો, જેમાં પગાર અને વેતન પર રૂ. 1.39 લાખ કરોડ અને પેન્શન પર 1.83 લાખ કરોડ રૂપિયા અને 'વ્યાજ ચુકવણી અને લોનની ચુકવણી' પર 6.55 લાખ કરોડ રૂપિયા સામેલ હતો. રિપોર્ટ અનુસાર, કેન્દ્રનો કુલ પ્રતિબદ્ધ ખર્ચ 2019-20માં તેના કુલ 26.15 લાખ કરોડ રૂપિયાના આવક ખર્ચના 37 ટકા હતો.
'પેન્શન ખર્ચ પગાર અને વેતન ખર્ચ કરતાં વધુ છે'
કેગના અહેવાલમાં જણાવાયું છે કે, "કેન્દ્ર સરકારના સંબંધમાં પ્રતિબદ્ધ ખર્ચમાં વ્યાજની ચૂકવણી અને લોનની સેવા પર 67 ટકાનો સમાવેશ થાય છે. બાકીના 19 ટકા અને 14 ટકા ખર્ચમાં અનુક્રમે પેન્શન અને પગાર અને વેતન ખર્ચનો સમાવેશ થાય છે. સ્પષ્ટ છે કે પેન્શન પરનો ખર્ચ પગાર અને વેતન પરના ખર્ચ કરતાં વધુ છે.
કયા ત્રણ રાજ્યોમાં વધુ ખર્ચ થાય છે?
રિપોર્ટ અનુસાર, કેન્દ્રનું પેન્શન બિલ 2019-20માં પગાર અને વેતન પર તેના ખર્ચના 132 ટકા હતું. 2019-20માં પેન્શન બિલ ત્રણ રાજ્યો (ગુજરાત, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ)માં પગાર અને વેતન ખર્ચ કરતાં પણ વધી ગયું છે. ગુજરાતમાં પેન્શન બિલ (રૂ. 17,663 કરોડ) પગાર અને વેતન (રૂ. 11,126 કરોડ) ખર્ચના 159 ટકા હતું. કર્ણાટકનું પેન્શન બિલ (રૂ. 18,404 કરોડ) પગાર અને વેતન (રૂ. 14,573 કરોડ) પર રાજ્યના ખર્ચના 126 ટકા હતું. અને પશ્ચિમ બંગાળ માટે પેન્શન બિલ (રૂ. 17,462 કરોડ) પગાર અને વેતન (રૂ. 16,915 કરોડ) પરના ખર્ચના 103 ટકા હતા.
ડેટા દર્શાવે છે કે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું સંયુક્ત પેન્શન બિલ 2019-20માં રૂ. 3.38 લાખ કરોડ હતું, જે તેમના પગાર અને વેતન પરના સંયુક્ત ખર્ચના 61.82 ટકા (રૂ. 5.47 લાખ કરોડ) હતું. પાંચ રાજ્યો, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં, પેન્શન બિલ તેમના પગાર અને વેતન પરના બે તૃતીયાંશ કરતાં વધુ ખર્ચનો હિસ્સો ધરાવે છે.
2019-20 દરમિયાન તમામ રાજ્યોનો કુલ પ્રતિબદ્ધ ખર્ચ રૂ. 12.38 લાખ કરોડ હતો (પગાર અને વેતન પર રૂ. 5.47 લાખ કરોડ; વ્યાજની ચૂકવણી પર રૂ. 3.52 લાખ કરોડ અને પેન્શન પર રૂ. 3.38 લાખ કરોડ), જે તેમના સંયુક્ત ખર્ચની સામે રૂ. 27.41 લાખ કરોડની આવક ખર્ચના 45 ટકા હતી.
2019-20માં રાજસ્થાનમાં પેન્શન પરનો ખર્ચ રૂ. 20,761 કરોડ હતો. આ તેના પગાર અને વેતન પરના ખર્ચ (રૂ. 48,577 કરોડ)ના લગભગ 42.7 ટકા છે. એ જ રીતે છત્તીસગઢનું પેન્શન બિલ (રૂ. 6,638 કરોડ) રાજ્યના પગાર અને વેતન ખર્ચ (રૂ. 21,672 કરોડ)ના 30.62 ટકા હતું.