PM મોદી અને બાંગ્લાદેશના PM આજે ત્રણ વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ધાટન, ક્રોસ-બોર્ડર રેલવે લાઇન પણ સામેલ
આ ત્રણેય પ્રોજેક્ટ ભારતના સહયોગથી પૂર્ણ થયા છે. જેમાં અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ-3નો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 1 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વિકાસ પ્રોજેક્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
આ ત્રણેય પ્રોજેક્ટ ભારતના સહયોગથી પૂર્ણ થયા છે. જેમાં અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ-3નો સમાવેશ થાય છે. અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવેલી રૂ. 392.52 કરોડની અનુદાન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. પીએમઓના નિવેદનમાં જણાવાયું છે કે, બાંગ્લાદેશમાં 6.78 કિમી ડ્યુઅલ ગેજ રેલ લાઇન અને ત્રિપુરામાં 5.46 કિમી સાથે રેલ લિંકની લંબાઈ 12.24 કિમી છે.
ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન પ્રોજેક્ટ ભારત સરકારની મદદથી પૂર્ણ કરાયો છે. જેની કુલ પ્રોજેક્ટ કિંમત 388.3 કરોડ અમેરિકન ડોલર છે. આ પ્રોજેક્ટમાં મોંગલા પોર્ટ અને ખુલનામાં હાલના રેલ નેટવર્ક વચ્ચે લગભગ 65 કિમીના બ્રોડગેજ રેલ માર્ગનું નિર્માણ સામેલ છે. આ સાથે બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું બંદર મોંગલા બ્રોડગેજ રેલ્વે નેટવર્ક સાથે જોડાઇ ગયું છે.
15 કિમી લાંબી અગરતલા-અખૌરા ક્રોસ બોર્ડર રેલ લિંક (ભારતમાં 5 કિમી અને બાંગ્લાદેશમાં 10 કિમી) ક્રોસ બોર્ડર વેપારને વેગ આપશે અને અગરતલાથી કોલકાતા વાયા ઢાકા સુધીની મુસાફરીનો સમય પણ ઘટાડશે. હાલમાં ટ્રેનને અગરતલાથી કોલકાતા પહોંચવામાં 31 કલાક લાગે છે, જે આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ ઘટીને 21 કલાક થઈ જશે.
1.6 બિલિયન અમેરિકન ડોલરની ભારતીય કન્સેશનલ ફાઇનાન્સિંગ પ્લાન લોન હેઠળ મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ, બાંગ્લાદેશના ખુલના ડિવિઝનના રામપાલ ખાતે સ્થિત 1320 MW (2x660) સુપર થર્મલ પાવર પ્લાન્ટ (MSTPP) છે. આ પ્રોજેક્ટ બાંગ્લાદેશ-ઇન્ડિયા ફ્રેન્ડશીપ પાવર કંપની (પ્રાઇવેટ) લિમિટેડ (BIFPCL) દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે, જે ભારતના NTPC લિમિટેડ અને બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB) વચ્ચે 50:50 સંયુક્ત સાહસ છે.
મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ Iનું સંયુક્ત રીતે સપ્ટેમ્બર 2022માં બે વડાપ્રધાનો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું અને યુનિટ 2નું ઉદ્ઘાટન 1 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવશે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના સંચાલનથી બાંગ્લાદેશમાં ઊર્જા સુરક્ષામાં વધારો થશે. આ પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં કનેક્ટિવિટી અને ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે.