દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
PM Modi NDA victory: રજા LDF અને UDF ના શાસનથી કંટાળી ગઈ છે, હવે માત્ર વિકાસની રાજનીતિ ચાલશે: વડાપ્રધાને કાર્યકરોનો માન્યો આભાર.

PM Modi NDA victory: કેરળની રાજધાની તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોએ દક્ષિણ ભારતના રાજકારણમાં નવા સમીકરણો રચ્યા છે. અહીં ભાજપના નેતૃત્વવાળા NDA એ શાનદાર પ્રદર્શન કરતા ઐતિહાસિક જીત મેળવી છે. આ ભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળની જનતાનો આભાર માન્યો છે અને આ પરિણામને રાજ્યના રાજકારણમાં એક નિર્ણાયક અને ઐતિહાસિક વળાંક ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કેરળની જનતા હવે પરંપરાગત પક્ષોથી વિમુખ થઈને વિકાસ તરફ વળી છે.
PM મોદીએ કહ્યું- 'આભાર તિરુવનંતપુરમ'
તિરુવનંતપુરમમાં NDA ની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, "તિરુવનંતપુરમ, તમારો ખૂબ ખૂબ આભાર! મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને NDA ને મળેલા પ્રચંડ જનાદેશે સાબિત કર્યું છે કે કેરળના રાજકારણમાં હવે બદલાવનો પવન ફૂંકાયો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, જનતાને વિશ્વાસ છે કે માત્ર અમારી પાર્ટી જ રાજ્યના વિકાસના સપના સાકાર કરી શકે છે. અમે આ જીવંત શહેરના નાગરિકોની જીવનશૈલી સુધારવા માટે કટિબદ્ધ છીએ.
વિપક્ષ પર પ્રહાર: 'લોકો UDF અને LDF થી થાકી ગયા છે'
વડાપ્રધાને પોતાના સંદેશમાં વિરોધ પક્ષો પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કેરળના મતદારો હવે UDF (યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) અને LDF (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ) ની જૂની રાજનીતિથી કંટાળી ગયા છે. લોકો હવે NDA ને એકમાત્ર સક્ષમ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે જે સુશાસન આપી શકે છે. PM મોદીએ #ViksitKeralam (વિકસિત કેરળ) ના નિર્માણ માટે મત આપનારા તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
My gratitude to all hardworking BJP Karyakartas who have worked among the people, which has ensured a spectacular result in the Thiruvananthapuram Corporation. Today is a day to recall the work and struggles of generations of Karyakartas in Kerala, who worked at the grassroots,…
— Narendra Modi (@narendramodi) December 13, 2025
પેઢીઓના સંઘર્ષને યાદ કર્યો
આ ઐતિહાસિક સફળતાનો શ્રેય પાયાના કાર્યકરોને આપતા વડાપ્રધાને ભાવુક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, "હું એ તમામ મેહનતી કાર્યકરોને સલામ કરું છું જેમણે આ પરિણામ લાવવા માટે દિવસ-રાત એક કર્યા. આજનો દિવસ એ પેઢીઓના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવાનો છે, જેમણે કેરળની ધરતી પર પક્ષના મૂળિયાં મજબૂત કરવા જીવન સમર્પિત કર્યું." તેમણે કાર્યકરોને પોતાની અને પાર્ટીની સાચી શક્તિ ગણાવી હતી.
My gratitude to the people across Kerala who voted for BJP and NDA candidates in the local body polls in the state. Kerala is fed up of UDF and LDF. They see NDA as the only option that can deliver on good governance and build a #VikasitaKeralam with opportunities for all.
— Narendra Modi (@narendramodi) December 13, 2025
આંકડાની રમત: NDA ને મળી મોટી સફળતા
ચૂંટણી પરિણામોના આંકડા પર નજર કરીએ તો, 101 વોર્ડ ધરાવતી તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં NDA એ સૌથી વધુ 50 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે સત્તાધારી ડાબેરી પક્ષ LDF 29 બેઠકો સાથે બીજા ક્રમે અને કોંગ્રેસ નેતૃત્વવાળું UDF માત્ર 19 બેઠકો પર સમેટાઈ ગયું છે. અન્યના ફાળે 2 બેઠકો ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બહુમતીનો જાદુઈ આંકડો 52 છે, અને NDA તેની ખૂબ નજીક પહોંચીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. આ પરિણામો દર્શાવે છે કે રાજધાનીમાં ભાજપનું વર્ચસ્વ નોંધપાત્ર રીતે વધ્યું છે.



















