વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો, દેશભક્તિના રંગે રંગાયું શહેર, કર્નલ સોફિયાનો પરિવાર ઉપસ્થિત
PM Modi Gujarat Visit: ઓપરેશન સિંદૂર બાદ PM મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. પીએમ મોદી વડોદરા પહોંચ્યાં, જયાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

PM Modi Gujarat Visit: PM મોદીનો ગુજરાતમાં ઓપરેશન સિંદુર બાદ પ્રથમ પ્રવાસ છે. આજે વડોદરામાં એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી PM મોદીનો રોડ શો યોજાયો હતો. રોડ શોને લઇને દેશભક્તિના થીમ પર સમગ્ર સજાવટ કરાઇ હતી. જેમાં તિંરગાની સાથે ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળી હતી. સમગ્ર શહેર દેશભક્તિના રંગે રગાયું હતું. આ અવસરે કર્નલ સોફિયાનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો.
પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતના ઓપરેશન સિંદૂરને દુનિયા સમક્ષ રજૂ કરનારી સોફિયા કુરેશી હાલ ખૂબ ચર્ચાં છે. તેમણે શુક્રવારે સતત ત્રીજા દિવસે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ બ્રીફિંગમાં હાજરી આપી. આ પ્રેસ કોન્ફરન્સમાં, સોફિયાએ પાકિસ્તાનના મદદગાર તરીકે ઉભરી આવેલા તુર્કીનો પર્દાફાશ કર્યો. સોફિયા કુરેશીએ કહ્યું કે ભારત પર તુર્કીના હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, દેશ અને દુનિયાભરમાં સમાચારમાં રહેતી સોફિયા કુરેશીના પરિવારનું ગુજરાતના વડોદરામાં સન્માન કરવામાં આવ્યું હતું. . સોફિયા કુરેશીનો પરિવાર વડોદરાના તાંદલજાના જુમેરાહ પાર્કમાં રહે છે.
સાંસદએ શોલ ઓઢાડી કર્યું સ્વાગત
વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીના નેતૃત્વમાં સોફિયા કુરેશીના પિતા, ભૂતપૂર્વ લશ્કરી કર્મચારી અને તેમની માતાનું સન્માન કરવામાં આવ્યું હતું.વડોદરાના સાંસદે ભાજપના અનેક નેતાઓ અને સ્થાનિક ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ઉપસ્થિતિમાં માતા-પિતાનું સન્માન કર્યું. જોશીએ તેમના પિતાને માન-સન્માન રૂપે શાલ અર્પણ કરી. જોશીએ કહ્યું કે, કર્નલ સોફિયા કુરેશી સાંસ્કૃતિક નગરી વડોદરાનું ગૌરવ છે. જ્યારે પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી,ત્યારે દેશભરમાં શોક અને ગુસ્સો જોવા મળ્યો. ત્યારે પીએમ મોદીએ આતંકવાદ અને તેના સમર્થકોને યોગ્ય જવાબ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મંગળવારે રાત્રે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યારે પાકિસ્તાન હચમચી ગયું.
સ્ત્રી શક્તિ પર ગર્વ છે
વડોદરાની પુત્રી સોફિયા કુરેશીએ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને બીજા દિવસે સમગ્ર દેશ અને દુનિયા સમક્ષ ઓપરેશન સિંદૂરની વિગતો રજૂ કરી. ત્યારબાદ સોફિયા કુરેશી વ્યોમિકા સિંહ સાથે ચર્ચામાં આવી. ભારતીય સેનાની શૌર્ય ગાથા મહિલા શક્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપના વડોદરા શહેર મહામંત્રી સત્યેન કુલાબકરે જણાવ્યું હતું કે, આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે. આવી સ્થિતિમાં, કર્નલ સોફિયાના માતા-પિતાને ભાજપ દ્વારા અભિનંદન અને સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલાબકરે કહ્યું કે જ્યારે પણ સોફિયા વડોદરા આવશે ત્યારે તેનું પણ સ્વાગત કરવામાં આવશે. કુલાબકરે કહ્યું કે આતંકવાદીઓએ ભારતની મહિલાઓને લોહીના આંસુ રોવડાવ્યા હતા. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપતા બદલો લીધો છે.





















