દિલ્હીની જીત બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મોટો દાવો: 2027માં પંજાબમાં પણ બનશે ભાજપની સરકાર
"સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન દિલ્હી પણ હવે ભાજપમય", પંજાબ ભાજપ પ્રભારી રૂપાણીનું નિવેદન

Delhi Election Results 2025: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજય રૂપાણીએ દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે દેશ અને મોટાભાગના રાજ્યોમાં ભાજપની સત્તા હોવા છતાં દિલ્હી સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન હતી, જે હવે દૂર થઈ ગઈ છે.
રૂપાણીએ આગળ જતાં મોટી આગાહી કરતા કહ્યું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જવાની અસર પંજાબમાં પણ જોવા મળશે. તેમના મતે 2027માં પંજાબમાં પણ આપની સરકાર જશે અને દિલ્હીની જેમ ત્યાં પણ ભાજપની સરકાર બનશે.
પૂર્વ મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે આ લોકો માત્ર સત્તાને ચોંટેલા હતા અને હવે સત્તા જતા રહેવાથી અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટીને બચાવી નહીં શકે. તેમણે ઉમેર્યું કે જૂઠાણાં અને ફરેબની રાજનીતિ હવે નહીં ચાલે, જે દિલ્હીના પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે.
રૂપાણીએ દિલ્હીની આપ સરકારને "દિલ્હીકા ઠગ" ગણાવતા કહ્યું કે જૂઠ્ઠા લોકોની સરકાર હવે જતી રહી છે. ઘણા લાંબા સમય બાદ ભાજપને દિલ્હીમાં સત્તા મળી હોવાનો ઉલ્લેખ કરતા તેમણે આ જીતને ઐતિહાસિક ગણાવી હતી.
દિલ્હીમાં 27 વર્ષના દુષ્કાળનો અંત: PM મોદી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. "ભારત માતા કી જય" અને "યમુના મૈયા કી જય"થી સંબોધનની શરૂઆત કરતા તેમણે દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે તેમણે દરેક દિલ્હીવાસીને મોકલેલો પત્ર કાર્યકર્તાઓએ દરેક પરિવાર સુધી પહોંચાડ્યો હતો. "મોદીની ગેરંટી" પર વિશ્વાસ મૂકવા બદલ તેમણે દિલ્હીની જનતા સમક્ષ માથું નમાવ્યું હતું અને ઝડપી વિકાસ દ્વારા આ ઋણ ચૂકવવાની ખાતરી આપી હતી.
વડાપ્રધાને દિલ્હીને મિની હિન્દુસ્તાન ગણાવતા કહ્યું કે, "દિલ્હી વિવિધતાથી ભરેલા ભારતનું લઘુચિત્ર સંસ્કરણ છે. દરેક ભાષા અને રાજ્યના લોકોએ કમળનું બટન દબાવ્યું છે." તેમણે પૂર્વાંચલના સાંસદ તરીકે ત્યાંના લોકોનો વિશેષ આભાર માન્યો હતો. વડાપ્રધાને અયોધ્યાના મિલ્કીપુરમાં મળેલી જીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે દેશ હવે તુષ્ટિકરણની નહીં પણ સંતોષની રાજનીતિ પસંદ કરી રહ્યો છે. દિલ્હીને આધુનિક શહેર બનાવવાની અને વિકસિત ભારતની વિકસિત રાજધાની બનાવવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો....
દિલ્હીના આ નેતા આજ સુધી એક પણ ચૂંટણી હાર્યા નથી, જ્યાંથી ઉભા રહ્યા ત્યાંથી જીત્યા





















