શોધખોળ કરો
28 જાન્યુઆરીએ જયપુરમાં CAA વિરૂદ્ધ રેલી કરશે રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 28 જાન્યુઆરીએ CAA વિરૂદ્ધ જયપુરમાં વિશાળ રેલી યોજશે.

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં કૉંગ્રેસ પણ વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 28 જાન્યુઆરીએ CAA વિરૂદ્ધ જયપુરમાં વિશાળ રેલી યોજશે. રાહુલ ગાંધીની આ રેલીને કોંગ્રેસ દ્વારા નાગરિકતા કાયદાના વિરોધમાં યુવાનોને જોડવાના પ્રયાસ રૂપે જોવાઇ રહી છે. રાહુલ ગાંધી ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ, કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને પાર્ટીના અન્ય ટોચના નેતાઓ જયપુરની રેલીમાં સામલે થશે. આ મામલે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું છે કે રાહુલ ગાંધીની રેલીને લઇને તમામ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજસ્થાન સરકારે પહેલા જ સ્પષ્ટતા કરી છે કે તે નાગરિકતા કાયદાને રાજ્યમાં લાગુ કરશે નહીં. દિલ્હી અને ગુવાહાટી બાદ નાગરિકતા વિરોધી આ ત્રીજી રેલી યોજાશે કે જેમાં રાહુલ ગાંધી કાયદા મુદ્દે પોતાનો પક્ષ રાખશે. કોંગ્રેસના મહાસચિવ અને રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડેએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને કાર્યક્રમની રૂપરેખાને લઇને ચર્ચા કરી. રાહુલ ગાંધી આ રેલી દરમ્યાન ખેડૂતોની દુર્દશા અને બેરોજગારીના મુદ્દા પર પણ વાત કરશે.
વધુ વાંચો





















