Sukhdev Singh Gogamedi: સુખદેવ ગોગામેડીની હત્યાના વિરોધમાં આજે રાજસ્થાન બંધ, થઇ રહ્યા છે વિરોધ પ્રદર્શનો
Sukhdev Singh Gogamedi Murder: રાજપૂત કરણી સેના સહિત અન્ય કેટલાક સંગઠનોએ બુધવારે રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે
Sukhdev Singh Gogamedi Murder: મંગળવારે જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ચુરુમાં ગોગામેડીના સમર્થકોએ બસ પર પથ્થરમારો કર્યો અને રસ્તો પણ બ્લોક કર્યો હતો. પથ્થરમારાની ઘટના બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
ગોગામેડીના સમર્થકો હુમલાખોરોની ધરપકડ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન રાજપૂત કરણી સેના સહિત અન્ય કેટલાક સંગઠનોએ બુધવારે રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે. સંગઠનોની માંગ છે કે આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ.
બે હુમલાખોરોએ કરણી સેનાના પ્રમુખ સુખદેવ ગોગામેડીને તેમના ઘરમાં ઘૂસીને મારી નાખ્યા હતા. દરમિયાન કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ ખાચરીયાવાસે તો ત્યાં સુધી કહ્યું છે કે પોલીસને આવા ગુનેગારોનું એન્કાઉન્ટર કરવાનો સમય આવી ગયો છે. હાલ બંને આરોપીઓ પોલીસની પકડમાંથી બહાર છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોગામેડીએ પોલીસ પાસે રક્ષણ માંગ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે સંપત નેહરા ગેંગ અને અન્ય ગુનેગારો તેને ધમકી આપી રહ્યા હતા. આ હત્યાની જવાબદારી રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત ગોદારાએ ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યાની જવાબદારી લીધી છે.
હત્યાનો સીસીટીવી વીડિયો થઇ રહ્યો છે વાયરલ
સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. પહેલા સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરે સોફા પર બેઠા છે. તેમની સામે ત્રણ લોકો બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ ઉભો હતો. વાતચીત દરમિયાન અચાનક સામે બેઠેલા બંને લોકોએ પોતાની પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરી રહેલા બે લોકોએ ગોગામેડી તેમજ ત્યાં હાજર અન્ય બે લોકો પર ગોળીબાર કર્યો હતો. પરંતુ વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે તેમનું નિશાન મુખ્યત્વે ગોગામેડી હતું. કુલ એક ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની ગોગામેડીને નિશાન બનાવી હતી.
કોણ છે રોહિત ગોદારા
રોહિત ગોદારા બિકાનેરના લૂણકરળસર વિસ્તારના કપૂરીસરનો રહેવાસી છે. ગોદારાએ 19 વર્ષની ઉંમરે ગુનાખોરીની દુનિયામાં પગ મુક્યો હતો. રોહિત ગોદારા સામે નોખામાંથી કોઈને ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તે લગભગ 15 વાર જેલમાં જઈ આવ્યો છે. ગોદરા બીકાનેરના કાલુ પોલીસ સ્ટેશનનો હાર્ડકોર ગુનેગાર છે. કહેવાય છે કે ગોદરા માત્ર પોતાની ગેંગ જ નથી ચલાવતો, તે મોનુ ગેંગ અને ગુથલી ગેંગ પણ ચલાવે છે.