Rajasthan Political Crisis: સચિન પાયલટે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ કહ્યું, - મારી પ્રાથમિકતા રાજસ્થાન...
રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સચિન પાયલટે ગુરુવારે (29 સપ્ટેમ્બર) સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સોનિયા ગાંધીને મળ્યા હતા.
Sachin Pilot Meets Sonia Gandhi: રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સચિન પાયલટે ગુરુવારે (29 સપ્ટેમ્બર) સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સોનિયા ગાંધીને મળ્યા હતા.
મારી પ્રથમ પ્રાથમિકતા રાજસ્થાનઃ પાયલટ
સોનિયા ગાંધીને મળ્યા બાદ સચિન પાયલટે કહ્યું કે, "અમે સોનિયા ગાંધી સાથે વાત કરી છે. અમારું કહેવું હતું તે બધું તેમણે સાંભળ્યું છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે 2023ની વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડીએ. અમને ખાતરી છે કે અમે ફરીથી કોંગ્રેસની સરકાર બનાવીશું. મારી પ્રથમ પ્રાથમિકતા રાજસ્થાન છે. આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે, રાજસ્થાનના મામલે જે પણ નિર્ણય લેવામાં આવશે તે બધાને સ્વીકાર્ય હશે."
આ સમયે સોનિયા ગાંધીના ઘરે સતત બેઠકો ચાલી રહી છે. પ્રિયંકા ગાંધી પણ ગુરુવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અશોક ગેહલોત અને સચિન પાયલટની સોનિયા ગાંધી સાથેની મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જયપુરમાં થયેલા હંગામા માટે સોનિયા ગાંધીની માફી પણ માંગી.
આ સિવાય ગેહલોત જૂથ સચિન પાયલટ કેમ્પમાંથી કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી પદ સોંપવાના પક્ષમાં નથી. અહીં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે, રાજસ્થાનમાં સીએમ કોણ હશે તેનો નિર્ણય એક-બે દિવસમાં થઈ જશે.
સોનિયાને મળ્યા બાદ ગેહલોતે શું કહ્યું?
જયપુરમાં જાદુ બતાવ્યા બાદ ગેહલોતે આજે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ તેમણે કહ્યું કે, "હું છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસનો વફાદાર સૈનિક છું. બે દિવસ પહેલા બનેલી ઘટનાએ અમને બધાને હચમચાવી દીધા હતા. હું જે પીડામાં છું તે ફક્ત હું જ જાણી શકું છું. દેશભરમાં એક સંદેશ ગયો છે કે, હું મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા માંગુ છું, તેથી આ બધું થઈ રહ્યું છે."
સચિન પાયલટે કાર્ડ ખોલ્યા નથી
હાલમાં સચિન પાયલટે તેમના પત્તાં ખોલ્યા નથી. તેમના વિશે માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે. તેમના તરફથી આવું કોઈ નિવેદન આવ્યું નથી જેનાથી અનુમાન લગાવી શકાય કે તેમનું આગળનું પગલું શું હશે. અત્યારે તેઓ માત્ર સોનિયા ગાંધીને મળ્યા છે. આ બેઠક પરથી અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ રણની રાજનીતિનો ઊંટ કઈ બાજુ બેસી જશે તે તો સમય જ કહેશે.