કેમ બનાવ્યો અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો ? આરોપીએ પૂછપરછમાં કર્યો ખુલાસો
પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદન્નાના ડીપફેક વીડિયો કેસમાં આંધ્રપ્રદેશના એક એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના IFSO સાયબર સેલ યુનિટે આરોપીની ધરપકડ કરી છે.
Delhi News: પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદન્નાના ડીપફેક વીડિયો કેસમાં આંધ્રપ્રદેશના એક એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના IFSO સાયબર સેલ યુનિટે આરોપીની ધરપકડ કરી છે અને તેને રાષ્ટ્રીય રાજધાનીમાં લાવ્યો છે. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે તેના ફોલોઅર્સ વધારવા માટે ડીપફેક વીડિયો બનાવ્યો હતો. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને લેપટોપ મળી આવ્યા છે. આરોપીની ઓળખ ઈ.નવીન તરીકે થઈ છે.
IFSO DCP હેમંત તિવારીએ કહ્યું કે 10 નવેમ્બર 2023ના રોજ દિલ્હી મહિલા આયોગની ફરિયાદ પર આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ તપાસ દરમિયાન 500થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ સર્ચ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પહેલીવાર કોઈ ભારતીય યુવતીએ 9 ઓક્ટોબરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો અપલોડ કર્યો હતો, ત્યારબાદ તેના ચહેરાને સુપરઈમ્પોઝ કરીને રશ્મિકા મંદન્નાના ડીપ ફેક વીડિયો બનાવવામાં આવ્યો હતો અને તે વીડિયો અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વાયરલ થયો હતો.
આ પછી જ્યારે ઘણા મોટા કલાકારોએ ટ્વિટર પર આ વીડિયો વિશે લખવાનું શરૂ કર્યું તો દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને તેની ફરિયાદ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ માટે પોલીસની ટીમ દેશના અલગ-અલગ રાજ્યોમાં ગઈ હતી અને લગભગ 500 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસને જે સૌપ્રથમ સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યું તે ડીપફેક વિડીયોને ડીલીટ કરી નાખ્યો હતો. મેટાએ આ કેસમાં પોલીસને ઘણી મદદ કરી હતી અને ડિલીટ કરેલા એકાઉન્ટનો ડેટા રિકવર કરવામાં 2-3 અઠવાડિયા લાગ્યા હતા અને અંતે આંધ્રપ્રદેશમાંથી ઈ.નવીનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
નવીને પૈસા કમાવવા માટે આ ગુનો કર્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ઈ નવીન રશ્મિકા મંદન્નાના ફેન પેજ ચલાવતો હતો. આ સિવાય તેણે અન્ય દક્ષિણ ભારતીય અભિનેત્રી અને અન્ય પ્રખ્યાત વ્યક્તિનું ફેન પેજ પણ ચલાવ્યું હતું. જેના પર તેના લાખો ફોલોઅર્સ હતા. પોલીસે જણાવ્યું કે લાંબા સમયથી રશ્મિકા મંદન્નાના ફેન પેજ ચલાવવા છતાં તેના ફોલોઅર્સ વધી રહ્યા ન હતા, તેથી જ તેણે રશ્મિકા મંદનાના ડીપ ફેક વીડિયો બનાવવાનું વિચાર્યું અને યુટ્યુબ દ્વારા ડીપફેક વીડિયો બનાવવાનો કોર્સ પણ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનો હેતુ ડીપ ફેક વીડિયો બનાવીને વધુમાં વધુ ફોલોઅર્સ વધારીને પૈસા કમાવવાનો હતો.
નવીનની પોલીસ પૂછપરછ ચાલુ છે
નવીને કહ્યું કે જ્યારે તેને ખબર પડી કે તેણે ડીપફેક વીડિયો બનાવીને ખોટું કામ કર્યું છે તો તેણે એક્ટ્રેસ રશ્મિકા મંદન્નાના પેજને ડિલીટ કરી દીધું. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં માત્ર એક જ ડીપફેક વીડિયો સામે આવ્યો છે. પોલીસ આરોપી નવીનના મોબાઈલ અને લેપટોપની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે એક જ વીડિયો બનાવ્યો હતો કે વધુ બનાવ્યો હતો.