UP Election Results 2022: સાહિબાબાદના ભાજપના ઉમેદવારે નોંધાવી સૌથી મોટી જીત, બનાવ્યો રેકોર્ડ
ગાઝિયાબાદ જિલ્લાની સાહિબાબાદ બેઠક પર ભાજપના ઉમેદવાર સુનીલ શર્માએ સૌથી મોટી જીત નોંધાવી છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપે ચાર રાજ્યમાં ઐતિહાસિક જીત મેળવી છે જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી ભવ્ય જીત સાથે સત્તા પર આવી છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની સાહિબાબાદ બેઠક પરથી જીતનારા ભાજપના ઉમેદવારે દેશની સૌથી મોટી ઐતિહાસિત જીત હાંસલ કરી છે.
ગાઝિયાબાદ જિલ્લાની સાહિબાબાદ બેઠક પર ભાજપના ઉમેદવાર સુનીલ શર્માએ સૌથી મોટી જીત નોંધાવી છે. સુનીલે SP-RLD ગઠબંધનના ઉમેદવાર અમરપાલ શર્માને 214835 મતોથી હાર આપી હતી. આ જીતે નોઈડાના ધારાસભ્ય પંકજ સિંહનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નોઈડાના ધારાસભ્ય પંકજ સિંહે એક લાખ એંસી હજાર મતોથી જીત મેળવીને એક રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અજિત પવારે બારામતી વિધાનસભા સીટ પર એક લાખ 65 હજાર 265 મતોના માર્જિનથી જીત મેળવીને ભાજપના ગોપીચંદ પડલકરને હરાવ્યા હતા. પંકજે NCP પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવારનો રેકોર્ડ તોડ્યો હતો.
સુનીલ શર્મા 2017માં ધારાસભ્ય બન્યા હતા
ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં સાહિબાબાદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુનિલ કુમાર શર્મા જીત્યા હતા. ચૂંટણીમાં 262741 મત મળ્યા હતા. તે સમયે કોંગ્રેસના ઉમેદવાર અમરપાલ શર્માને 112056 વોટ મળ્યા હતા. તે સમયે પણ ભાજપે 150685 મતોની જંગી સરસાઈથી જીત મેળવી હતી.
2012માં બહુજન સમાજ પાર્ટીના અમરપાલે ભાજપના સુનિલ કુમાર શર્માને 24,348 મતોથી હરાવ્યા હતા. આ વખતે 2022માં સમાજવાદી પાર્ટીના અમરપાલ અને બીજેપીના સુનિલ કુમાર વચ્ચે જોરદાર ટક્કર થવાની આશા હતી. કોંગ્રેસે આ સીટ પરથી સંગીતા ત્યાગીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તે સ્વર્ગસ્થ રાજીવ ત્યાગીની પત્ની છે, જેઓ INCના પ્રવક્તા હતા. બસપાએ 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં સાહિબાબાદ બેઠક પરથી અજીત કુમાર પાલને મેદાનમાં ઉતાર્યા હતા.
ગાઝિયાબાદ જિલ્લામાં એકંદરે 54.92 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન મોદીનગરમાં અને સૌથી ઓછું સાહિબાબાદમાં જોવા મળ્યું હતું. ગાઝિયાબાદમાં 51.57%, લોનીમાં 61.49%, મોદી નગરમાં 67.26%, મુરાદનગરમાં 59.72%, સાહિબાબાદમાં 47.03% મતદાન થયું હતું.