ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વેટિંગ પર સંજય રાઉતનો મોટો ખુલાસો, ’વિપક્ષના 14 મત અમાન્ય....’
રાઉતે કહ્યું, "અમારા બધા મત સુદર્શન રેડ્ડીને મળ્યા હતા, પરંતુ 14 થી 15 મત અમાન્ય જાહેર કરાયા"

sanjay raut reaction: ભારતને તેના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણન મળ્યા છે, જેમણે ચૂંટણીમાં 452 મત મેળવીને વિજય હાંસલ કર્યો છે. જોકે, વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' ના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી ને મળેલા 300 મતોને લઈને હવે રાજકીય વિશ્લેષણ શરૂ થયું છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે વિપક્ષના કોઈ પણ સભ્ય દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું નથી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે વિપક્ષના કુલ મતો 314 થી 315 હતા, જેમાંથી 14 થી 15 મતો અમાન્ય જાહેર કરવામાં આવ્યા, જે તમામ સુદર્શન રેડ્ડી ના જ હતા.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષના મતોનું વિશ્લેષણ
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો બાદ જ્યારે ક્રોસ વોટિંગ અંગે સવાલો ઉઠ્યા, ત્યારે સંજય રાઉતે તેને સીધો જ નકારી કાઢ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વિપક્ષના બધા મત તેમના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી ને જ મળ્યા છે.
ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "અમે ક્રોસ વોટિંગની વાત નથી કરી રહ્યા, કારણ કે અમને અમારા બધા મતો મળ્યા છે. અમારો અંદાજિત આંકડો 314 થી 315 હતો. તેમાંથી સુદર્શન રેડ્ડી ને 300 મત મળ્યા અને બાકીના 14-15 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. તે બધા મત સુદર્શન રેડ્ડી ને જ આપવામાં આવ્યા હતા, છતાં કોઈ કારણસર તે અમાન્ય જાહેર થયા, જેનું કારણ મને ખબર નથી."
આ નિવેદન દ્વારા રાઉતે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે સવાલ ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે જો અમાન્ય મતોની ગણતરી થાય તો બી. સુદર્શન રેડ્ડી નો આંકડો વધુ હોઈ શકે છે.
અકાલી દળ અને અન્ય પક્ષો પર નિશાન
આ જ સમયે, સંજય રાઉતે ચૂંટણીથી દૂર રહેનારા પક્ષો પર પણ નિશાન સાધ્યું. તેમણે ખાસ કરીને અકાલી દળ અને KCR ની પાર્ટીનો ઉલ્લેખ કર્યો.
રાઉતે કહ્યું, "આ એ જ પક્ષો છે જે સંસદમાં હંમેશા ભાજપ ની સાથે ઉભા રહે છે, પરંતુ તેમણે આ ચૂંટણીમાં મતદાન કર્યું નથી. તેમ છતાં તેઓ દરેક ચર્ચા અને દરેક બિલમાં સરકારને ટેકો આપે છે, ત્યારે આવા સમયે ચૂંટણીથી દૂર રહેવું એ પણ એક મોટો રાજકીય મુદ્દો છે."
ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા સંજય રાઉતે તમામ વિપક્ષી સાંસદોને તેમના અંતરાત્માના અવાજને સાંભળીને સુદર્શન રેડ્ડી ને મત આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મતદાન રાષ્ટ્રહિત અને બંધારણના રક્ષણ માટે થવું જોઈએ, કારણ કે ભાજપ પાસે આ પદ માટે બહુમતી નથી.





















