Congress President Election: શશિ થરુર આ દિવસે ભરશે ઉમેદવારી ફોર્મ, અન્ય એક નેતાએ પણ ઉપાડ્યું ફોર્મ
કોંગ્રેસ પ્રમુખ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 1 ઓક્ટોબર છે જ્યારે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે.
Congress President Election: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ મંગળવારે જણાવ્યું હતું કે શશિ થરૂરના પ્રતિનિધિએ તેમના કાર્યાલયને જાણ કરી છે કે તેઓ 30 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે પ્રમુખ પદ માટે નામાંકન દાખલ કરશે.
મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીને લઈને અત્યાર સુધી કરવામાં આવેલા કામ વિશે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને જાણ કરી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચૂંટણી યોજાશે. કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં શશિ થરૂરને કોણ ટક્કર આપી શકે છે તે અંગેના સસ્પેન્સ વચ્ચે કોંગ્રેસના નેતા પવન બંસલ દ્વારા પણ ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા છે.
પવન બંસલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યોઃ
પવન બંસલે એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે તેઓ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખના પદ માટે મારી ઉમેદવારી કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ચંદીગઢ જતા પહેલા મેં બે ફોર્મ લીધા હતા. મેં કોઈ ખાસ વ્યક્તિ માટે ફોર્મ લીધું નથી.
મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે AICCના ખજાનચી પવન કુમાર બંસલે ઉમેદવારી ફોર્મ લીધું છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, આવું કોઈ બીજા સાથે પણ થઈ શકે છે. AICC હેડક્વાર્ટર ખાતેના તેમના કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, તેમણે મંગળવારે પક્ષના હાલના પ્રમુખ સોનિયા ગાંધીને તેમના 10 જનપથ નિવાસસ્થાને મળ્યા હતા અને તેમણે પોતાનું મતદાર ઓળખ કાર્ડ સોંપ્યું હતું. તેમણે સોનિયા ગાંધીને અત્યાર સુધીની પ્રક્રિયા વિશે પણ જણાવ્યું, કેટલા લોકોએ નોમિનેશન ફોર્મ લીધું છે અને પ્રતિનિધિઓ વિશે માહિતી આપી છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ક્યારે છે?
પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 1 ઓક્ટોબર છે જ્યારે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. ઉમેદવારોની અંતિમ યાદી 8મી ઓક્ટોબરે સાંજે 5 કલાકે જાહેર કરવામાં આવશે. જરૂર પડશે તો 17 ઓક્ટોબરે મતદાન થશે. 19 ઓક્ટોબરે મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે.