'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય અંગે દાખલ કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો

સુપ્રીમ કોર્ટે મંગળવારે સગીરા પર બળાત્કારના પ્રયાસના કેસમાં 17 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિર્ણય પર સંજ્ઞાન લીધું હતું. આવતીકાલે (બુધવારે), જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે.
અલ્હાબાદ કોર્ટે શું નિર્ણય આપ્યો?
અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે પીડિતાના બ્રેસ્ટને પકડી લેવાનો અને તેના પાયજામાનું નાડુ તોડવાના માત્ર આરોપને કારણે આરોપી સામે બળાત્કારના પ્રયાસનો કેસ બનતો નથી. ચુકાદો આપનારા ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાએ 11 વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાના તથ્યો નોંધ્યા પછી કહ્યું કે આ આરોપોને કારણે આ એક મહિલાના ગૌરવ પર હુમલો કરવાનો કેસ છે. પણ આને બળાત્કારનો પ્રયાસ ન કહી શકાય.
સોમવારે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય અંગે દાખલ કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે કોર્ટ કેન્દ્ર સરકાર અને અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને નિર્ણયના આ વિવાદાસ્પદ ભાગને દૂર કરવા અને તેને રેકોર્ડમાં સુધારવાનો નિર્દેશ આપે.
અલ્હાબાદ હાઈકોર્ટે આરોપીઓ સામે IPCની કલમ 354B અને POCSO એક્ટની કલમ 9/10 હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ વિવાદાસ્પદ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો. ઘણા સાંસદોએ સુપ્રીમ કોર્ટને આ નિર્ણયનું સ્વતઃ સંજ્ઞાન લેવા વિનંતી કરી હતી.
અન્ય એક કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર અપલોડ કરવાના કેસમાં નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે એકવાર લગ્ન કર્યા પછી પતિ તેની પત્ની પર માલિકી કે નિયંત્રણ મેળવતો નથી. ના લગ્ન તેની સ્વાયત્તતા કે ગોપનીયતાના અધિકારમાં ઘટાડો કરે છે.
ચાર્જશીટ રદ કરવાની માંગ કરતી પતિની અરજીને ફગાવી દેતા હાઈકોર્ટના ન્યાયાધીશ વિનોદ દિવાકરે કહ્યું હતું કે, "ફેસબુક પર તેમના અંગત પળોનો વીડિયો અપલોડ કરીને પતિએ વૈવાહિક સંબંધની પવિત્રતાનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. પતિ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે તેની પત્ની દ્વારા તેના પર મૂકવામાં આવેલા વિશ્વાસ અને શ્રદ્ધાનો આદર કરે, ખાસ કરીને તેમના અંતરંગ સંબંધના સંદર્ભમાં."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
