Chandrasekar Rao Tests Positive: વધુ એક રાજ્યના મુખ્યમંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં, જાણો વિગત
દેશમાં કોરોનાના કેસ રોજ નવી ટોચ બનાવી રહ્યા છે. આ દરમિયાન વધુ એક રાજ્યના મુખ્યમંત્રી તેની ઝપેટમાં આવ્યા છે.
દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવનો કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેઓ આઈસોલેટ થયા છે. ડોક્ટરોની એક ટીમ તેના પર દેખરેખ રાખી રહી છે.
મનમોહન સિંહ પણ સંક્રમિત
દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમને દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 88 વર્ષીય મનમોહનસિંહે કોરોના વાયરસ રસીના બંને ડોઝ લીધા છે. એઇમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે મનમોહન સિંહને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલમાં તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. 2009 માં તેમની એઈમ્સમાં કોરોનરી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.
સતત પાંચમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે.
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.