Terror Funding Case: આતંકવાદીઓને ફંડિંગ આપવાના કેસમાં કોર્ટે યાસિન મલિકને આજીવન કેદની સજા આપી
કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકના (Yasin Malik) સામે થયેલા ટેરર ફંડિંગ કેસમાં NIAની વિશેષ અદાલતમાં સજાનું એલાન કરવામાં આવ્યું હતું.
Yasin Malik Terror Funding Case: આજે કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકના (Yasin Malik) સામે થયેલા ટેરર ફંડિંગ કેસમાં NIAની વિશેષ અદાલતમાં સજાનું એલાન કરવામાં આવ્યું હતું. NIAની વિશેષ અદાલતે યાસિન મલિકને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ પહેલાં કોર્ટે યાસીન મલિકને આતંકવાદીઓને ફંડ આપવાના કેસમાં ગુનેગાર ઠેરવ્યો હતો.
અલગતાવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની વિશેષ અદાલતે ટેરર ફંડિંગના બે અલગ-અલગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે મલિકને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ચુકાદા સમયે મલિકને કોર્ટરૂમમાં હાજર કરવામાં આવ્યો હતો. યાસીન મલિક પરના ચુકાદાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં ભારે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અગાઉ, આ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ યાસીન મલિકને ફાંસીની સજા આપવા માટે કોર્ટને વિનંતી કરી હતી. બીજી તરફ, યાસીન મલિકે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કરાયેલા આરોપો સહિત તેની સામેના તમામ આરોપોનો સ્વીકાર કર્યો હતો.
વાસ્તવમાં, જે કલમોમાં યાસીન મલિકને દોષી ઠેરવવામાં આવ્યો છે, તેમાં મહત્તમ મૃત્યુદંડ અથવા ઓછામાં ઓછી આજીવન કેદની સજાની જોગવાઈ છે, જેના આધારે NIA કોર્ટે યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવી છે. તમને જણાવી દઈએ કે, કોર્ટમાં યાસીને જજને કહ્યું હતું કે, બુરહાન વાનીને મારવાની જાહેરાત થઈ ત્યારથી હું સતત જેલમાં રહ્યો છું, તો મારા પર આ આરોપો કેવી રીતે લગાવવામાં આવ્યા? જેના પર કોર્ટે કહ્યું કે હવે એ સમય નથી. તે જ સમયે, યાસીને આનો જવાબ આપ્યો અને કહ્યું, હું તમારી સામે કોઈ ભીખ નહી માંગુ તમને જે યોગ્ય છે તે પ્રમાણે સજા આપો. પણ પહેલાં જુઓ કે શું કોઈ પુરાવા છે કે મેં આતંકવાદીઓને સમર્થન આપ્યું છે?
વાસ્તવમાં, યાસિન મલિક વિરુદ્ધ ગુનાહિત કાવતરું, દેશ વિરુદ્ધ યુદ્ધ કરવા અને કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોવાની કલમો હેઠળ આરોપો લગાવામાં આવ્યા હતા. યાસીન મલિકે પણ કોર્ટ સમક્ષ આ આરોપો સ્વીકારી લીધા હતા, ત્યારબાદ 19 મેના રોજ કોર્ટે યાસીન મલિકને દોષિત જાહેર કર્યો હતો.