Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકી હુમલામાં 17 લોકોના મોત થયા છે.
Terrorist Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકી હુમલામાં 17 લોકોના મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના ડાઉન કુર્રમ વિસ્તારમાં પેસેન્જર વાન પર થયો હતો. હુમલામાં એક પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા.
પેસેન્જર વાન લોઅર કુર્રમના ઓચુત કાલી અને મંડુરી નજીકથી પસાર થઈ કે તરત જ ત્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ વાન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. પેસેન્જર વાન પારાચિનારથી પેશાવર જઈ રહી હતી.
પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડૉન અનુસાર, તહસીલ હેડક્વાર્ટર હોસ્પિટલ અલીઝાઈના ઓફિસર ડૉ.ગયોર હુસૈને મૃત્યુની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની સખત નિંદા કરી અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. PPPએ X પર એક પોસ્ટમાં કહ્યું કે નિર્દોષ મુસાફરો પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ અને અમાનવીય કૃત્ય છે. પાર્ટીએ કહ્યું કે આ ઘટના માટે જવાબદારોને સજા મળવી જોઈએ. આ સાથે ઘાયલોને સમયસર તબીબી સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
બે દિવસ પહેલા પણ થયો હતો હુમલો
પાકિસ્તાનમાં સેનાના જવાનોને નિશાન બનાવીને મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઓછામાં ઓછા 12 સૈનિકોના મોત થયા હતા. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ બુધવારે જણાવ્યું હતું કે, ખૈબર પખ્તુનખ્વા (KP) ના બન્નુ જિલ્લામાં આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 12 સુરક્ષા કર્મચારોઓમા મોત થયા હતા. સેનાની મીડિયા વિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 નવેમ્બર (મંગળવારે) આતંકવાદીઓ અથવા "ખ્વારીજ" એ બન્નૂના માલી ખેલના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાની સેના પર મોટો આતંકી હુમલો
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ચાર ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો, જેમાં ઓછામાં ઓછા 12 સુરક્ષા દળોના મોત થયા અને કેટલાક ઘાયલ પણ થયાના અહેવાલ છે. તાજેતરના મહિનાઓમાં આ હુમલો સૌથી ઘાતક છે. આ હુમલો મંગળવારે સાંજે અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો હતો. હાફિઝ ગુલ બહાદુર જૂથ તરીકે ઓળખાતા પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથે એક નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. સરકાર તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો હુમલાનું આયોજન કરનારાઓને નિશાન બનાવીને ઓપરેશન ચલાવી રહ્યા હતા.
આ પણ વાંચો...