ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
એવિયન ઈન્ફ્લુએન્ઝા (H5N1) વાયરસ ભારતમાં પહોંચી ગયો છે. જે લોકો ચેપગ્રસ્ત ચિકન ખાય છે તેઓ વાયરસથી સંક્રમિત થઈ શકે છે

કેન્દ્ર સરકારના મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે બર્ડ ફ્લૂ (H5N1) અંગે પંજાબ સહિત 9 રાજ્યો માટે ચેતવણી જાહેર કરી છે. મંત્રાલયના સચિવ અલકા ઉપાધ્યાય દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે એવિયન ઈન્ફ્લુએન્ઝા (H5N1) વાયરસ ભારતમાં પહોંચી ગયો છે. જે લોકો ચેપગ્રસ્ત ચિકન ખાય છે તેઓ વાયરસથી સંક્રમિત થઈ શકે છે.
મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'જાન્યુઆરી 2025થી સરકારી માલિકીના પોલ્ટ્રી ફાર્મ સહિત 9 રાજ્યોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) વાયરસના કેસ નોંધાયા છે. આ વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. બધા સરકારી, વાણિજ્યિક અને બેકયાર્ડ પોલ્ટ્રી ફાર્મ જૈવ સુરક્ષા પગલાં મજબૂત બનાવવા પડશે.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે તમામ સરકારી પોલ્ટ્રી ફાર્માનું બાયોસિક્યોરિટી ઓડિટ શક્ય તેટલી વહેલી તકે થવું જોઈએ અને ખામીઓ તાત્કાલિક દૂર કરવી જોઈએ. તે સિવાય બાયોસિક્યોરિટી પ્રોટોકોલનું કડક રીતે પાલન કરવા અને અસામાન્ય મૃત્યુદરની સમય પર રિપોટિંગ માટે પોલ્ટ્રી ફાર્માના કર્મચારીઓ માટે જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવા જોઈએ.
રાજ્યોને એવિયન ઈન્ફલ્યુએન્ઝા સામે લડવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજનાનું કડક પાલન કરવા, ઝડપી પ્રતિભાવ ટીમોને સક્રિય કરવા અને પશુચિકિત્સા અને પ્રયોગશાળાઓની સંખ્યા વધારવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ કહ્યું છે કે આ પગલાં પર તાત્કાલિક ધ્યાન આપવાથી એવિયન ઈન્ફલ્યુએન્ઝાના ફેલાવાને રોકવામાં મદદ મળશે.
બર્ડ ફ્લૂના લક્ષણો
બર્ડ ફ્લૂના લક્ષણો અલગ અલગ હોઈ શકે છે, ખાસ કરીને H5N1 જેવા સ્ટ્રેન સાથે પરંતુ તે ઘણીવાર સામાન્ય ઈન્ફલ્યુએન્ઝા જેવા હોય છે. આંખો લાલાશ, તાવ, ઉધરસ, થાક, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં દુખાવો, ઉબકા, ઉલટી અને ડાયેરિયા, ગેસ્ટ્રોની સમસ્યાઓ, બંધ અથવા વહેતું નાક, શ્વાસ લેવામાં તકલીફ એ બર્ડ ફ્લૂના લક્ષણો માનવામાં આવે છે.
બર્ડ ફ્લૂ કેવી રીતે ફેલાય છે?
બર્ડ ફ્લૂ અથવા એવિયન ઈન્ફલ્યુએન્ઝા, મુખ્યત્વે પક્ષીઓને અસર કરે છે પરંતુ ચોક્કસ પરિસ્થિતિઓમાં તે મનુષ્યોને ચેપ લગાવી શકે છે. આ વાયરસ ચેપગ્રસ્ત પક્ષીઓ અથવા દૂષિત વાતાવરણ સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. જે વ્યક્તિઓ ચેપગ્રસ્ત પક્ષીઓને સંભાળે છે અથવા પોલ્ટ્રી ફાર્મ સાથે નજીકના સંપર્કમાં છે તેઓ એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી ચેપગ્રસ્ત થઈ શકે છે. આ વાયરસનો ચેપ યોગ્ય રીતે ન રાંધેલા ચિકન ખાવાથી પણ માણસોમાં ફેલાઈ શકે છે.
બર્ડ ફ્લૂ અટકાવવાના પગલાં
પક્ષીઓને સ્પર્શ કર્યા પછી અથવા બર્ડ ફ્લૂના વાયરસ હોય તેવા વિસ્તારોની મુલાકાત લીધા પછી હંમેશા તમારા હાથ સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો. એવિયન ઈન્ફલ્યુએન્ઝાના સંપર્કમાં આવ્યા હોય તેવા પ્રાણીઓ સાથે સંપર્ક ટાળો. બર્ડ ફ્લૂના લક્ષણોને અવગણશો નહીં અને તબીબી સહાય મેળવો હતો. ચિકન અને ઈંડાને યોગ્ય રીતે રાંધ્યા પછી જ ખાઓ. ગંભીર બીમારીનું જોખમ ઘટાડવા માટે ફ્લૂની રસી લો.





















