National Herald Case: ED સમક્ષ 13 જૂને હાજર થશે રાહુલ ગાંધી, કૉંગ્રેસે બનાવ્યો આ ખાસ પ્લાન
કૉંગ્રેસે કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થશે કારણ કે તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી
Congress on ED Notice To Sonia and Rahul Gandhi: નેશનલ હેરાલ્ડ કેસમાં કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કૉંગ્રેસેના સાંસદ રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. કૉંગ્રેસે કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થશે કારણ કે તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી. પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ પત્રકારોને જણાવ્યું હતુ કે અમે કાયદાનું પાલન કરનારી પાર્ટી છીએ. અમે નિયમોનું પાલન કરીએ છીએ. જો તેઓને બોલાવવામાં આવશે, તો તે ચોક્કસપણે જશે. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી.
કૉંગ્રેસેના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું હતું કે અમે બીજેપી જેવા નથી. અમને યાદ છે કે જ્યારે અમિત શાહ 2002 થી 2013 સુધી ફરાર હતા. ખેરાએ કહ્યું કે અમને કોઈ ગભરાટ નથી. તે લોકો નિયમો તોડીને નોટિસ મોકલે છે. તેઓ સમજી જશે કે તેમનો સામનો કોની સામે થયો છે. નોંધનીય છે કે નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં EDએ સોનિયા ગાંધીને 8મી જૂને હાજર થવા નોટિસ આપી છે.
EDના સમન્સને શક્તિ પ્રદર્શનમાં ફેરવવાની તૈયારી?
નેશનલ હેરાલ્ડ કેસમાં કૉંગ્રેસેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 13 જૂને ED સમક્ષ હાજર થશે. કોંગ્રેસના તમામ સાંસદોને 13 જૂને સવારે પાર્ટી હેડક્વાર્ટર પર આવવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે કૉંગ્રેસે ઈડીના સમન્સને શક્તિ પ્રદર્શનમાં બદલવાનો પ્રયાસ કરશે. બીજી તરફ કૉંગ્રેસે અધ્યક્ષ સોનિયા ગાંધીએ હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે, કારણ કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે અને હજુ સુધી સ્વસ્થ થયા નથી.
રાહુલ ગાંધી 13 જૂને ED સમક્ષ હાજર થશે
ગયા ગુરુવારે સોનિયા ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમનો રિપોર્ટ હજુ નેગેટિવ આવ્યો નથી. નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડરિંગના સંબંધમાં પૂર્વ કૉંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીને ED દ્વારા 13 જૂને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. EDએ અગાઉ રાહુલ ગાંધીને 2 જૂને હાજર થવા કહ્યું હતું, પરંતુ તેમણે દેશની બહાર હોવાનું કહીને હાજર થવા માટે બીજી કોઈ તારીખ માટે વિનંતી કરી હતી. રાહુલ ગાંધી ગયા અઠવાડિયે સ્વદેશ પરત ફર્યા હતા.