'સિદ્ધુ મૂસેવાલા ગોળીથી ના મરે તો બોમ્બથી ઉડાવી દેવાનો હતો', પકડાયેલા શૂટર્સે આપી જાણકારી
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ગુજરાતના કચ્છમાં આવેલા મુંદ્રા પોર્ટ પાસેથી સિદ્ધુ મૂસેવાલાની હત્યાને અંજામ આપનાર બે શૂટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
Siddhu Moose Wala Murder: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ (Siddhu Moose Wala) કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સિદ્ધુની હત્યામાં સંડોવાયેલા ત્રણ બદમાશોની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસની (Delhi Police) સ્પેશ્યલ સેલે ગુજરાતના કચ્છમાં આવેલા મુંદ્રા પોર્ટ પાસેથી સિદ્ધુ મૂસેવાલાની હત્યાને અંજામ આપનાર બે શૂટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 8 હેન્ડ ગ્રેનેડ, 1 ગ્રેનેડ લોન્ચર, 9 ઈલેક્ટ્રોનિક ડિટોનેટર અને એકે શ્રેણીની રાઈફલ્સ જપ્ત કરી છે.
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે આ ત્રણેય આરોપીઓની કચ્છના મુંદ્રા પાસેથી ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશયલ ઝડપી પાડેલા આ ત્રણેય શૂટરમાંથી એકનું નામ પ્રિયવ્રત ઉર્ફ ફૌજી છે. પ્રિયવર્તને મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવી રહ્યો છે. આરોપ છે કે, પ્રિયવ્રતે જ સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું ષડયંત્ર રચ્યું અને આયોજન કર્યું હતું. હત્યા સમયે પ્રિયવ્રત કેનેડામાં બેસીને આદેશ આપતા ગોલ્ડી બરારના સંપર્કમાં હતો. મૂસેવાલાની હત્યા થઈ તે પહેલાં ફતેહગઢની એક પેટ્રોલ પંપમાં લાગેલા સીસીટીવીમાં પણ પ્રિયવ્રત દેખાયો હતો.
મૂસેવાલાને બોમ્બથી ઉડાવી દેજોઃ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય શૂટરોએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, કેનેડાના ગોલ્ડી બરારે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, જો મુસેવાલાને એકે-47 અથવા અન્ય હથિયારોથી મારવાની યોજના સફળ ન થાય તો મુસેવાલાની કારને હેન્ડ ગ્રેનેડથી ઉડાવી દો. એટલે કે, કોઈ પણ સંજોગોમાં મૂસેવાલા બચવોના જોઈએ.
ગ્રેનેડ અને ગ્રેનેડ લોન્ચર મળ્યાઃ
એક મીડિયા અહેવાલ મુજબ ધરપકડ કરાયેલા શૂટરોએ જણાવ્યું કે, તેથી જ તેઓ મુસેવાલાને મારવા માટે હેન્ડ ગ્રેનેડ પણ સાથે લઈ ગયા હતા. તેઓના કહેવા મુજબ હત્યામાં વપરાયેલા હથિયારો ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈના કહેવા પર વિદેશથી આયાત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, દિલ્હી પોલીસે આ શૂટર્સની 19મીએ ગુજરાતના મુદ્રા પોર્ટ નજીકથી ધરપકડ કરી હતી. આરોપીઓ ભાડે મકાન રાખીને રહેતા હતા. દિલ્હી પોલીસે આરોપીઓ પાસેથી 8 હેન્ડ ગ્રેનેડ, 1 ગ્રેનેડ લોન્ચર, 9 ઈલેક્ટ્રોનિક ડિટોનેટર અને એકે શ્રેણીની રાઈફલ્સ જપ્ત કરી છે.