(Source: ECI/ABP News/ABP Majha)
UK Corona Strain in Delhi: દિલ્હીની આ હોસ્પિટલમાં 5 કે 10 નહીં પણ આટલા બધા લોકોમાં જોવા મળ્યો કોરોના વાયરસનો UK સ્ટ્રેઇન, લોકોમાં ફફડાટ
Coronavirus UK Strain: દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું, નવો સ્ટ્રેઇન ચિંતાનો વિષય છે. 40 કેસ નોંધાવા ચિંતાનજક બાબત છે. આ દર્દીઓને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોના વાયરસ ફરીથી વકર્યો છે. દેશના ઘણા રાજ્યોમાં લોકોમાં કોરોના વાયરસનો યુકે સ્ટ્રેઇન હોવાની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટકા, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. આ રાજ્યોમાં નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને 78.41 ટકા નવા કેસો આ પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા છે. ભારતમાં કુલ 77 ટકા એક્ટિવ દર્દીઓ મહારાષ્ટ્ર, કેરાલા અને પંજાબના છે.
કેટલા કેસ નોંધાયા?
આ દરમિયાન દિલ્હીની LNJP હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 40 જેટલા લોકોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ છે. આ લોકો યુકેથી આવ્યા હતા અથવા યુકેથી પરત ફરેલા લોકોના સંપર્કમાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોવિડ-19ના 494 નવા કેસ નોંધાયા હતા અને 13 લોકોના મોત થયા હતા.
આરોગ્ય મંત્રીએ શું કહ્યું?
દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું, નવો સ્ટ્રેઇન ચિંતાનો વિષય છે. 40 કેસ નોંધાવા ચિંતાનજક બાબત છે. આ દર્દીઓને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારે ચાર ખાનગી હોસ્પિટલને નવા કોવિડ સ્ટ્રેઇનની સારવાર માટે મંજૂરી આપી છે. અમે જાણીએ છીએ કે આ સ્થિતિ ચિંતાજનક છે અને તેનો સામનો કરવા તૈયાર છીએ.
દેશમાં શું છે કોરોની સ્થિતિ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 હજાર 492 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી કાલે 131 લોકોના મોત થયા છે. વળી દેશની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં 3 કરોડ 29 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં કોરોનાના અત્યાર સુધી 2 લાખ 77 હજાર 397 કેસો સામે આવી ચૂક્યા છે. આમાં 2 લાખ 68 હજાર 775 લોકો ઠીક થઇ ચૂક્યા છે. જ્યારે 4425 લોકોના મોત થઇ ચૂક્યા છે.