Indus Water Treaty : પાકિસ્તાનને તરસ્યું મારવાનો મોદી સરકારનો પ્લાન, કાર્યવાહી શરૂ
ભારતના તત્કાલીન પરિવહન અને જળ સંસાધન મંત્રી નીતિન ગડકરીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, ભારત પાકિસ્તાનમાં વહેતા પાણીના તેના ભાગને રોકી શકે છે.
India issued notice to Pakistan : ભારતે અવળચંડા પાકિસ્તાનને બરાબરનું ભિંસમાં લીધું છે. ભારતે હવે સિંધુ જળ સંધિ 1960માં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. 62 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતે સિંધુ જળ સંધિમાં સુધારાની માંગ કરી છે. પાકિસ્તાનને જારી કરાયેલી નોટિસ એટલા માટે પણ મહત્વની છે કારણ કે, ભારતના ઘણા નિષ્ણાતો સમયાંતરે આ સમજૂતીને રદ કરવાની માંગ કરી રહ્યા છે. ભારત અગાઉ પાકિસ્તાનને અગાઉ સિંધુ નદીનું પાણી રોકવાની ચેતવણી પણ આપી ચુક્યું છે.
ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા બાદ ભારતના તત્કાલીન પરિવહન અને જળ સંસાધન મંત્રી નીતિન ગડકરીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, ભારત પાકિસ્તાનમાં વહેતા પાણીના તેના ભાગને રોકી શકે છે. સિંધુ જળ સંધિને રદ કરવી અથવા ભારત તરફથી પાણીનો માર્ગ વાળવો એ નદીના પાણી પર નિર્ભર પાકિસ્તાનના કરોડો લોકો માટે સંકટ સર્જી શકે છે.
ભારતે આપી નોટિસ
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે આ નોટિસ 25 જાન્યુઆરીએ જારી કરી હતી. ભારત તરફથી જારી કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પાકિસ્તાન સાથે જળ સંધિને સંપૂર્ણ રીતે લાગુ કરવાનો સમર્થક છે. પરંતુ પાકિસ્તાનની કાર્યવાહીથી ભારતને જરૂરી નોટિસ જારી કરવાની ફરજ પડી હતી. નોટિસ જારી કરવાનો મુખ્ય હેતુ પાકિસ્તાનને કરારના ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસનો સમય આપવાનો છે. પાકિસ્તાન નોટિસ મળ્યાના ત્રણ મહિનાની અંદર વાંધો નોંધાવી શકે છે.
શું છે સિંધુ જળ સંધિ?
સપ્ટેમ્બર 1960માં કરાચીમાં તત્કાલિન ભારતીય વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાની લશ્કરી જનરલ અયુબ ખાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. લગભગ 62 વર્ષ પહેલા હસ્તાક્ષર કરાયેલ સિંધુ જળ સંધિ (IWT) હેઠળ, ભારતને સિંધુ અને તેની ઉપનદીઓમાંથી 19.5 ટકા પાણી મળે છે. જ્યારે પાકિસ્તાનને લગભગ 80 ટકા પાણી મળે છે. ભારત પોતાના હિસ્સામાંથી પણ માત્ર 90 ટકા પાણીનો જ ઉપયોગ કરે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સિંધુ ખીણને છ નદીઓમાં વિભાજીત કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ સિંધુ જળ આયોગની વાર્ષિક બેઠક દર વર્ષે બંને દેશો વચ્ચે ફરજિયાત છે. સિંધુ જળ સંધિ અંગે છેલ્લી બેઠક 30-31 મે 2022ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકને બંને દેશોએ સૌહાર્દપૂર્ણ ગણાવી હતી.
પૂર્વીય નદીઓ પર ભારતનો અધિકાર છે. જ્યારે પશ્ચિમી નદીઓ પાકિસ્તાનને સોંપવામાં આવી હતી. આ સમાધાન વર્લ્ડબેંક દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી. ત્રણ પૂર્વી નદીઓ સતલજ, બિયાસ અને રાવી દ્વારા ભારતને ફાળવવામાં આવેલા કુલ 168 મિલિયન એકર-ફીટમાંથી લગભગ 33 મિલિયન એકર-ફીટ વાર્ષિક પાણી ભારતને ફાળવવામાં આવ્યું છે. ભારત તેનો માત્ર 90 ટકા હિસ્સો વાપરે છે. બાકીનું પાણી પાકિસ્તાનમાં જાય છે.
જ્યારે સિંધુ, ઝેલમ અને ચેનાબ જેવી પશ્ચિમી નદીઓમાં પાકિસ્તાનને ફાળવવામાં આવેલું વાર્ષિક 135 મિલિયન એકર ફૂટ પાણી છે.