ધોરણ-12ની પરીક્ષા યોજાશે કે રદ્દ થશે ? શિક્ષણ વિભાગે પરીક્ષા યોજવા આ બે વિકલ્પ આપ્યા છે
બંને વિકલ્પ પર શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે ચર્ચા વિચારણા થશે અને બાદમાં પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે દેશના તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રંસથી બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાતના શિક્ષણમંત્રી પણ જોડાયા હતા. ધોરણ 12ની પરીક્ષા હજુ કોરોનાને કારણે યોજાઈ શકી નથી. જેથી કઈ રીતે પરીક્ષા યોજવી તથા કંઈ તકેદારી રાખી પરીક્ષા યોજવી તે મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. જેમાં કેન્દ્રના શિક્ષણ વિભાગ તરફથી બે વિકલ્પ આપવામાં આવ્યા છે.
બંને વિકલ્પ પર શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે ચર્ચા વિચારણા થશે અને બાદમાં પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે. ધોરણ 12ની પરીક્ષા યોજવા અંગે બેઠકમાં બે વિકલ્પ ચર્ચાયા. પહેલાં વિકલ્પ તરીકે 3 કલાકની પરીક્ષા અને પરિણામ જાહેર કરવા માટે યોગ્ય સમયની ચર્ચા કરાઈ. 3 કલાકની પરીક્ષામાં વિસ્તૃત જવાબ અને લેખન અંગે ચર્ચા કરાઈ. તો બીજા વિકલ્પ તરીકે 90 મિનિટમાં બહુવિકલ્પના આધારે પરીક્ષા લેવાની ચર્ચા થઈ.
સૂત્રો મુજબ 12માંની પરીક્ષા ઓબ્ઝેક્ટિવ ટાઈપ પેપર લઈને યોજાશે. વિદ્યાર્થીઓની પરીક્ષા હોમ સેંટર પર જ યોજાઈ શકે છે. વિદ્યાર્થીઓને પાસવર્ડ પ્રોટેક્ટેડ ઈ-પેપર મોકલવામાં આવશે. મળેલી બેઠકમાં CBSEએ કહ્યુ કે, તેઓ જૂનના છેલ્લા અઠવાડિયે પરીક્ષાનું આયોજન કરી શકે છે. જલ્દી જ પરીક્ષાની તારીખનું એલાન કરવામાં આવશે.
ધોરણ 12ની પરીક્ષા પર અસમજંસને લઈને હાઈ લેવલની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં દિલ્લી સરકાર સિવાય તમામ રાજ્યો પરીક્ષા લેવાના પક્ષમાં છે. રાજ્ય સરકારોની સંયુક્ત બેઠકમાં પરીક્ષાને લઈને અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. ત્યાર બાદ નક્કી કરાયું કે ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવશે. હાલ કોરોના સંક્રમણને કારણે તમામ રાજ્યોના શિક્ષણ બોર્ડ, CBSC, ICSEએ બારમાંની પરીક્ષાને સ્થગિત કરેલી છે.
ગુજરાતની વાત કરીએ તો, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને ધોરણ-10ની પરીક્ષા રદ કરી દીધી છે. તેમજ ધોરણ-10ના તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. હવે ધોરણ 12 બોર્ડની પરીક્ષા યોજવી કે નહીં કે પછી 10 બોર્ડની જેમ માસ પ્રમોશન આપવું જોઇએ કે નહીં તે મુદ્દે બેઠક મળી હતી.
આ બેઠકમાં સર્વાનુમતે ધોરણ-12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવાનો પણ નિર્ણય કરાયો હતો.
વડોદરા આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધો-12ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીને કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું.