જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે યોજાયો પદવીદાન સમાારોહ
મુખ્ય અતિથિએ વિવિધ સ્કૂલ નિમણૂકો અને હાઉસ કેપ્ટન માટે નામાંકિત કેડેટ્સને નિમણૂકો એનાયત કરી હતી

"નેતૃત્વ અને જવાબદારીનો ઉત્સવ" શૈક્ષણિક સત્ર 2025-26 માટે જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીનો - પદવીદાન સમારોહ 22 એપ્રિલ 2025ના રોજ શાળાના સભાગૃહમાં લશ્કરી પરંપરાઓના આધારે ભવ્ય રીતે યોજાયો હતો.
આ અવસર પર મેજર જનરલ ગૌરવ બગ્ગા, જનરલ ઓફિસર કમાન્ડિંગ 11 રેપિડ (એચ) અને ચેરમેન, એલબીએ, સૈનિક સ્કૂલ બાલાચડી મુખ્ય અતિથિ હતા. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ મુખ્ય અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને સ્કૂના યુદ્ધ સ્મારક - શૌર્ય સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાના કેડેટ્સે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. બાદમાં તેમને કેડેટ વૈષ્ણવી દ્વારા સેન્ડ મોડલ પર સ્કૂલ અને તેની આસપાસના વિસ્તારની જાણકારી આપી હતી જેની મુખ્ય અતિથિએ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
મુખ્ય અતિથિએ વિવિધ સ્કૂલ નિમણૂકો અને હાઉસ કેપ્ટન માટે નામાંકિત કેડેટ્સને નિમણૂકો એનાયત કરી હતી. કેડેટ્સને તેમના સમગ્ર ગુણોના આધાર પર નામાંકિત કરવામાં આવ્યા જેમાં સમયપાલન, શિસ્ત, નૈતિક મૂલ્યો, શિક્ષણશાસ્ત્ર, રમતો અને રમતગમત, સકારાત્મક વલણ, નેતૃત્વના ગુણો વગેરે જેવા સર્વાંગી ગુણોના આધારે નામાંકિત કરવામાં આવ્યા હતા જેથી તેઓ તેમના સાથી મિત્રો માટે રોલ મોડેલ બની શકે.
નવી નિમણૂકોને શાળાના નિયમો અને તેના પ્રત્યેની તેમની નિષ્ઠા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. નિમણૂક પામેલા કેડેટ્સ ગૃહોમાં વિવિધ અભ્યાસક્રમ અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓનું ધ્યાન રાખશે અને શાળાના સુગમ સંચાલનમાં સહયોગ કરશે.
મુખ્ય અતિથિએ પોતાના સંબોધનમાં નવી નિમણૂકોને અભિનંદન આપ્યા અને કેડેટ્સમાં નેતૃત્વના ગુણો વિકસિત કરવાની આવશ્યકતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કેડેટ્સને તેમના સપના સાકાર કરવા માટે શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી અને તેમને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે નિષ્ઠાવાન, સત્યવાદી, શિસ્તબદ્ધ અને સમર્પિત બનવા માટે પ્રેરિત કર્યા. તેમણે કેડેટ્સને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. પોતાના ભાષણમાં તેમણે ઉલ્લેખ કર્યો કે 'સારા નેતા' 'સારા નેતા' બનાવે છે, આ સંદર્ભમાં તેમણે ધોરણ 12ના કેડેટ્સને તેમના જૂનિયર્સ અને અન્ય કેડેટ્સને હંમેશા પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી. તેમણે કેડેટ્સ અને શાળાના વિકાસ માટે સમર્પિત નિઃસ્વાર્થ સેવા બદલ અધિકારીઓ અને સ્ટાફની પણ પ્રશંસા કરી હતી.
સ્કૂલ તરફથી પ્રિન્સિપાલે મુખ્ય અતિથિને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે શાળાના કેડેટ કેપ્ટન કેડેટ શિવમ ગાવારે આભારવિધિ કરી હતી. મુખ્ય અતિથિએ કેડેટ્સ અને સ્ટાફ સાથે પણ વાતચીત કરી અને બાદમાં તેમને સમગ્ર કેમ્પસનો વિન્ડશિલ્ડ પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. શાળાના કેડેટ્સ મેસમાં કેડેટ્સ અને સ્ટાફ સાથે લંચ સાથે સમારંભનું સમાપન થયું હતું.

