બાળકોને ચોકલેટ આપતા પહેલા 100 વખત વિચારજો, રાજકોટમાંથી 1250 કિલો અખાદ્ય ચોકલેટ ઝડપાઈ
મહાનગરપાલિકાએ વેપારીને નોટિસ ફટકારી છે. મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો જપ્ત કરી તપાસ અર્થે સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યા છે.
Rajkot News: રાજકોટમાં ચોકલેટ ખાતા પહેલા સાવધાન. રામનાથપરા વિસ્તારમાંથી શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપાયો છે. શ્રીલક્ષ્મી સ્ટોર નામની દુકાનમાં મહાપાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ સમયે કોઈ પણ જાતની બ્રાન્ડ વગરની 1250 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. મહાનગરપાલિકાએ વેપારીને નોટિસ ફટકારી છે. મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો જપ્ત કરી તપાસ અર્થે સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યા છે. હાલ તો મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. એક્સપાયરી ડેટ વાળી અને ડેટ વગરની ચોકલેટ વેચવામાં આવતી હતી. નોનવેજ સિમ્બોલ વાળી ચોકલેટ પકડાઇ છે. ચાઇનાથી આ ચોકલેટ આવતી હતી.
રાજકોટમાં ભેળસેળની આ ઘટના પ્રથમ નથી, આ પહેલા પણ અનેક ભેળસેળની ઘટનાઓ સામે આવી છે. લોકોની આ આદતનો લાભ લઈને વેપારીઓ અનેક વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચતા હોય છે. દૂધ હોય, જીરૂ હોય, પનીર હોય આવી અનેક વસ્તુઓ છે જેમાં ભેળસળ થતી આવી છે. થોડા સમય પહેલા રાજકોટમાં ટોસ્ટના નમૂના ફેઈલ મળી આવ્યા હતા. રાજકોટની નામાંકીત ભારત બેકરીનાં ટોસ્ટના નમૂના ફેઇલ થયા છે. ટોસ્ટમાંથી સેકરીન, સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી હતી. આ ભેળસેળ વાળી વસ્તુ ખાવાથી આંતરડા, ચામડી અને પેટને લગતા રોગ થાય છે.
લાંબો સમય સુધી ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે. ઑગસ્ટ મહિનામાં RMC ના ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો 4 મહિના બાદ રિપોર્ટ આવ્યો છે. 19 ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના સેમ્પલ લેવાયા હતા. અને કેકમાં પણ ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે નમૂના લેવાયા હતા. જેનો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો. માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે અને તેમા ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે.
આ પહેલા વિજાપુર ખાતેથી પકડાયેલા મરચાના સેમ્પલ ફાઈલ આવ્યા હતા. વિજાપુરનાં મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાં ગત 8 મેના રોજ શંકાસ્પદ મરચું ઝડપાયું હતું. રેડ દરમિયાન હલકી ગુણવત્તાના મરચા પર લાલ કલર ચડાવીને ભેળસેળ થતી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.
સેમ્પલનો રિપોર્ટ આરોગ્યને હાનિકર્તા, અસુરક્ષિત હોવાનો અનસેફ આવ્યો છે. મરચાનાં ભેળસેળ મામલે મુકેશ મહેશ્વરી નામના વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ વેપારીને ત્યાં પણ ભેળસેળ મામલે બે વખત દરોડા પડી ચૂક્યા છે.