Rajkot: રુપાલાના સમર્થનમાં ભાજપની બાઈક રેલી, રૂપાલાએ બુલેટ ચલાવ્યું રૂપાણી પાછળ બેઠા
રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માધાપર ચોકડી ખાતેથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં યુવા ભાજપની બાઈક રેલી યોજાઈ હતી.
રાજકોટ: રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માધાપર ચોકડી ખાતેથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં યુવા ભાજપની બાઈક રેલી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. પરશોત્તમ રૂપાલાએ આ રેલી દરમિયાન બુલેટ ચલાવ્યું હતું અને તેમની પાછળ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બેઠા હતા. હાલ સોશિયલ મીડિયામાં આ બાઈક રાઈડનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રના બંને નેતાઓ એક જ બુલેટ પર સવાર જોવા મળ્યા હતા. પરશોત્તમ રુપાલા બુલેટ ચલાવી રહ્યા છે અને તેમની પાછળ પૂર્વ મુખ્યમંત્રી રુપાણી બેઠા છે. યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન રેલીમાં ગીતો વગાડવામાં આવ્યા હતા. આ રેલીમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાજકોટમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની મહારેલી
રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેસકોર્ષથી આ વિશાળ રેલીની શરુઆત થઈ હતી. આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. રુપાલની ટિકીટ રદ્દ કરોના નારા સાથે રેલી નિકળી હતી. પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રુપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. કલેક્ટર કચેરી બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભાજપના ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાના વિવાદિત નિવેદન બાદ આ મામલો શાંત પડવાનું નામ નથી લઇ રહ્યો. ક્ષત્રિય સમાજનો આક્રોશ સાતમા આસમાને છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજની આ મહારેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો જોડાયા છે. જેમાં કેસરી સાફા સાથે પૂરૂષો અને કેસરી સાડી પહેરીને મહિલાઓએ એકત્ર થઈને રેલીમાં ભાગ લીધો હતો.
ક્ષત્રિય સમાજની આ મહારેલીને લઈને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વોટર કેનન સહિત વજ્ર વાહનો તૈનાત કરી દેવાયા છે. આ સાથે જ, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તમામ તકેદારીઓ પોલીસ દ્વારા રાખવામાં આવી હતી.
પરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદનનો શું છે મામલો
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ;જૂના જમાનાના રાજવીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું કે, એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.