(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત સ્થાપના દિવસ: રાજકોટ કોર્પોરેશન દ્વારા મ્યુઝીકલ નાઈટનું આયોજન, રિયાલિટી શોના સિંગરો જમાવટ કરશે
1 મે રવિવારે રાજકોટ મહાપાલિકાનો સ્થાપના દિવસ હોય આ દિવસની શાનદાર ઉજવણી માટે મનપા દ્વારા આ વર્ષે ‘સપ્તરંગી સાંજ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ: 1 મે રવિવારે રાજકોટ મહાપાલિકાનો સ્થાપના દિવસ હોય આ દિવસની શાનદાર ઉજવણી માટે મનપા દ્વારા આ વર્ષે ‘સપ્તરંગી સાંજ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકપ્રિય ટીવી શો ‘ઈન્ડિયન આઈડલ’ના કલાકારો જમાવટ કરશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા દર વર્ષે 1લી મેએ ગુજરાત રાજ્ય સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવે છે, પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન મહામારી કોરોનાને કારણે કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન નથી થઈ શક્યું. જો કે હવે કોવિડની અસર નહીંવત હોવાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલાં ધૂળેટી પર્વ નિમિત્તે મહાપાલિકાએ હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હવે રવિવારે 1મેએ ગુજરાત સ્થાપના દિવસે રેસકોર્સના કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે ‘સપ્તરંગી સાંજ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રિયાલિટી મ્યુઝિકલ શો ઈન્ડિયન આઈડલના ગાયકો અરુનીતા કાનજી લાલ, પવનદીપ રાજન, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી, સવાઈ ભાટ સહિતના પોતાના સુરીલા અવાજથી લોકોને મનોરંજન કરાવશે.
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પાટણમાં કરાશે
પાટણ ખાતે 1 મેના દિવસે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેને લઈ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. પાટણ ખાતે આવેલ જિલ્લા સરકારી કચરીઓ રંગબેરંગી લાઈટની રોશનીથી શણગારવામાં આવી છે. પાટણમાં પહેલી 1 મેના દિવસે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ પાટણ ખાતે હાજર રહેશે. પાટણ શહેરના રોડ રસ્તા તેમજ સરકારી કચેરીઓ રંગબેરંગી લાઈટથી શણગારી દેવામાં આવી છે. પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઈ તૈયારી કરવામાં આવી રહી છે. તેને લઈ રાજ્ય સરકારના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી જગદીશ પંચાલે મીડિયાને વિવિધ માહિતી આપી હતી.
સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે કે પહેલી મે ગુજરાત ગૌરવ દિવસ આ વખતે રાજ્ય સરકારે પાટણમાં ઉજવવાનું નક્કી કર્યું છે. દરેક જિલ્લાને લાભ મળે તે માટે આ વખત પાટણ ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં નક્કી કર્યું છે. 110 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થવાનું છે. 330 કરોડના ઇ-લોકાર્પણ કરવાના છે. પાટણ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે પોલીસે પણ સુરક્ષાને લઈ તૈયારી કરી લીધી છે. પાટણના જિલ્લા પોલીસ વડાએ મીડિયાને માહિત આપતા જણાવ્યું હતું કે 1મે 2022ના દિવસે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પાટણ થવાનો છે ત્યારે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
ગુજરાત ગૌરવ દિવસની પાટણ ખાતે ઉજવણી થઈ રહી છે ત્યારે પાટણની કલેક્ટર કચેરી, જુના સર્કિટ હાઉસ, જિલ્લા પંચાયત કચેરી, પાટણ જિલ્લા વડાની કચેરી રંગ બે રંગી લાઈટથી ઝગમગી ઉઠી છે. સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું 1 મે 2022ના સવારે 10:10 વાગ્યે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં પાંચ ગેલેરી ઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડાયનોસોર ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરી સહિત પાંચ ગેલેરી રાખવામાં આવી છે. પાટણ જિલ્લામાં વિકાસ કાર્યો નું મુખ્યમંત્રી દ્રારા ઇ લોકાર્પણ અને ઇ ખાત મુહૂર્ત સ્થળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનુ ગ્રાઉન્ડ પહેલી 1મે 2022ના સવારે 10:30 વાગ્યે કરવામાં આવશે.