સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસશે.
રાજકોટ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં મૂશળધાર વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ સામાન્ય વરસાદ વરસશે. પરંતુ 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા ધોધમાર વરસાદ વરસશે.
અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરી છે. વરસાદી માહોલને લઈ રાજકોટ જિલ્લા પ્રશાસન પણ સજ્જ છે. રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં કંટ્રોલ રુમ ઉભા કરાયા છે. આ સાથે જ મોટા ડેમની હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજા સતત મહેરબાન
અમરેલી જિલ્લામાં મેઘરાજા સતત મહેરબાન થયા છે. આજે બાબરા શહેર અને તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જીવાપર, દરેડ, ગલકોટડી, ચમારડી, ખાખરિયા સહિતના ગામમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. વાવણીલાયક વરસાદ વરસતા જગતનો તાત રાજી થયો છે. ખાંભા તાલુકાના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખાંભાના રાણીગપરા, રાયડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
રાજકોટના ગોંડલ શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. ગોંડલના કોલેજ ચોક, કપુરિયા ચોક, માંડવી ચોક, કૈલાસ બાગ અને રાધાકૃષ્ણ સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ઓલપાડ, માંગરોળ, કામરેજ સહિત તમામ તાલુકામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશી છે. જો કે, ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. વલસાડના ધરમપુર તાલુકામાં વરસાદ પડ્યો છે. ધરપમુરના આસુરા, મોટી ઢોલડુંગરી, મોહનગઢ સહિતના ગામમાં મેઘમહેર થઈ. .ભરૂચ જિલ્લાના હાંસોટ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.