IND vs AUS: રાજકોટમાં રમાનારી ત્રીજી વન ડેમાં ભારતની પ્લેઈંગ 11માં થશે મોટો બદલાવ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી કરશે વાપસી
Rajkot ODI: કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ 2 મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી.
IND vs AUS, 3rd ODI, Rajkot: ICC ODI વર્લ્ડ કપ 2023 પહેલા, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવીને દરેકને પોતાની તૈયારીનો સંદેશ આપ્યો છે. હવે ટીમ ઈન્ડિયાને આ સીરીઝની છેલ્લી મેચ 27મી સપ્ટેમ્બરે રાજકોટના મેદાન પર રમવાની છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના મહત્વના ખેલાડીઓની વાપસી જોવા મળશે.
કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ 2 મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી. તેમના નેતૃત્વમાં ટીમે ડકવર્થ લુઈસના નિયમો અનુસાર પ્રથમ મેચ 5 વિકેટે અને બીજી મેચ 99 રનથી જીતી હતી. આ શ્રેણીની પ્રથમ બે મેચ બાદ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી રાહત સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યરનું ફોર્મ હતું.
ગિલને આપવામાં આવી શકે છે આરામ
વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ પાસે હવે સિરીઝની છેલ્લી મેચમાં પ્રયોગ કરવાની તક છે. એટલા માટે ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને આરામ આપવામાં આવી શકે છે, જેની જગ્યાએ કેપ્ટન રોહિત શર્મા સામેલ થઈ શકે છે. ઋતુરાજ ગાયકવાડના સ્થાને પ્લેઈંગ 11માં વિરાટ કોહલીનો સમાવેશ થાય તે નિશ્ચિત માનવામાં આવે છે.
શાર્દુલની જગ્યાએ હાર્દિકનો થઈ શકે છે સમાવેશ
ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં અન્ય ફેરફારો જોઈએ તો શાર્દુલ ઠાકુરની જગ્યાએ હાર્દિક પંડ્યા રમતા જોવા મળી શકે છે. અક્ષર પટેલ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી, ત્યારે રવિચંદ્રન અશ્વિનને વધુ એક તક આપવામાં આવી શકે છે. આ સિવાય વર્લ્ડ કપ પહેલા કુલદીપ યાદવને આ મેચના પ્લેઈંગ 11માં સામેલ કરવામાં નહીં આવે.
ત્રીજી વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ.
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે નોંધાવ્યો સર્વોચ્ચ સ્કોર
ઈન્દોરમાં રમાયેલી બીજી વન ડેમાં શ્રેયસ ઐયરે 105 , શુભમન ગિલે 104 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવ 37 બોલમાં 72 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારતે 50 ઓવરમાં 5 વિકેના નુકસાન પર 399 રન બનનાવ્યા હતા. જે ભારતનો ઓસ્ટ્રેલિયા સામે સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલાનો સર્વોચ્ચ સ્કોર 383/6 હતો, જે ટીમ ઈન્ડિયાએ 2 નવેમ્બર, 2013ના રોજ બેંગ્લોરમાં બનાવ્યો હતો.