(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Congress: MLA લલિત વસોયા આયોજીત કાર્યક્રમમાં બીજેપી નેતાઓને આમંત્રણ, કોંગ્રેસ નેતાઓને નહીં
Gujarat Politics: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના કેટલાક ઘારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી વાતો સામે આવી રહી છે. જે ધારાસભ્યોનાં નામ સામે આવ્યા છે તેમાં લલિત વસોયાનું નામ પણ સામેલ છે.
Gujarat Politics: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના કેટલાક ઘારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી વાતો સામે આવી રહી છે. જે ધારાસભ્યોનાં નામ સામે આવ્યા છે તેમાં લલિત વસોયાનું નામ પણ સામેલ છે. તો હવે ધોરાજીના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા આયોજીત સર્વ રોગ નિદાન કેમ્પમાં ભાજપના નેતાઓની હાજરી ઉડીને આંખે વળગી છે. લલિત વસોયા દ્વારા આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પમાં કોંગ્રેસના એક પણ નેતાને આમંત્રણ આપવામાં ન આવતા ફરી ચર્ચાઓ તેજ થઈ છે કે લલિત વસોયા ટૂંક સમયમાં કોંગ્રેસનો હાથ છોડી શકે છે. છેલ્લા ઘણા સમયથી ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ તરફ જુકાવ જોવા મળી રહ્યો છે. હવે આ સર્વ રોગ નિદાન કેમ્પ અને સ્વ રણછોડ કોયાની માર્ગના નામકરણના કાર્યક્રમમાં ભાજપના નેતાઓને જ આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું છે.
આ પ્રસંગે પોરબંદરના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા રમેશ ધડુક દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કેમ્પને ખુલ્લો મુકાયો હતો. લલિત વસોયાના હોમ ટાઉનમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના એક પણ નેતાને આમંત્રણ ન મળતા ચર્ચાઓ તેજ બની છે. લલિત વસોયાના હોમટાઉનમાં આયોજિત કાર્યક્રમમાં ભાજપના નેતાઓની ઉપસ્થિતિ બાદ ફરી ચર્ચાઓ શરૂ થઈ છે કે શું વસોયા કોંગ્રેસ છોડી રહ્યા છે? તો બીજી તરફ પોરબંદરના સાંસદ રમેશ ધડુકે કહ્યું લલિત વસોયા ભાજપમાં જોડાશે કે કેમ તે પાર્ટી નક્કી કરશે, તો લલિત વસોયાએ કહ્યું કે હું આજીવન કોંગ્રેસમાં છું અને રહીશ. કોંગ્રેસ છોડવાની વાતનું લલિત વસોયાએ ખંડન કર્યું હતું.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં ક્યારે કરશે ઉમેદવારોની બીજી યાદી જાહેર
મિશન 2022 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ કરી દીધી છે. નોંધનિય છે કે હજી ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ ત્યાં આપ દ્વારા પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે 20મી ઓગષ્ટ આસપાસ આમ આદમી પાર્ટી ઉમેદવારની બીજી યાદી જાહેર કરી શકે છે. બીજી યાદીમાં આપ 20થી 25 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.
16મીએ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે તે પહેલાં ઉમેદવારની બીજી યાદીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલના આગામી પ્રવાસ બાદ આપ ઉમેદવારની બીજી યાદી જાહેર કરી શકે છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સક્રિય દેખાઈ રહી છે. તે એ વાત પરથી પણ સમજી શકાય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ એક પછી એક ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે
મિશન 2022 માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. આગામી 16મી ઓગષ્ટે કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. મળતી માહિતી પ્રમાણે કેજરીવાલ અમરેલી અથવા વાકાનેર વિસ્તારનો પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસ દરમિયાન કેજરીવાલ જનસભાને સંબોધન કરી વધુ એક ગેરેંટી ગુજરાતની પ્રજાને આપી શકે છે. કેજરીવાલ 16 અને 17 એમ બે દિવસ ગુજરાતમાં રોકાઈ તેવી શક્યતા છે. આ પહેલા તેમણે અમદાવાદમાં બહેનો સાથે સંવાદ કર્યો હતો અને મહિલાઓને ગેરેન્ટી આપી હતી. ગુજરાતમાં 18 વર્ષથી મોટી યુવતીઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવાની ગેરેન્ટી કેજરીવાલે આપી હતી.