સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
Surat 10 lakh bribery case: બંને કોર્પોરેટરોએ 'પે એન્ડ પાર્ક' કોન્ટ્રેક્ટ રદ કરવાની ધમકી આપીને કોન્ટ્રાક્ટર પાસેથી ૧૦ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
AAP corporator caught in bribery case: સુરત શહેરમાં આમ આદમી પાર્ટી (આપ)ના બે કોર્પોરેટરો સામે લાંચ માંગવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે એક કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. સુરત એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની અટકાયત કરી છે. તેમના પર મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી ૧૦ લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. આ પહેલાં, આ જ કેસમાં આપના બીજા કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરવામાં આવી હતી.
કેસની વિગતો મુજબ, બંને કોર્પોરેટરોએ 'પે એન્ડ પાર્ક' કોન્ટ્રેક્ટ રદ કરવાની ધમકી આપીને કોન્ટ્રાક્ટર પાસેથી ૧૦ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટરે આ મામલે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા. આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
ફરિયાદમાં રજૂ કરાયેલા ઓડિયો રેકોર્ડિંગને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેની સત્યતા સાબિત થઈ હતી. આ પુરાવાના આધારે, જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગીયા બંનેને આ ગુનામાં આરોપી ઠેરવવામાં આવ્યા હતા. ગુનો નોંધાયા બાદ જીતેન્દ્ર કાછડિયા ફરાર થઈ ગયા હતા. જોકે, એસીબીની ટીમે તેમને શોધી કાઢ્યા અને અટકાયતમાં લીધા છે.
નોંધનીય છે કે ડાયમંડ નગરી સુરતમાં એસીબીએ વધુ એક સપાટો બોલાવ્યો હતો. ઉધના ઝોનની અંદર એસીબીએ ટ્રેપ ગોઠવી SMC ના ક્લાસ 3 બે કર્મચારીઓ ઝડપી પાડ્યા હતા. જીગ્નેશ પટેલ અને મેહુલ પટેલને રૂપિયા 35,000ની લાંચ લેતા ઝડપાયા હતા. આ બંનેએ મકાનના વેરા બાબતે ભલામણ કરવા બાબતે લાંચ માંગી હતી.
આ કામના ફરીયાદી મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરતા આવ્યા હતા. જે મકાનનો વેરો દર ત્રણ વર્ષે રીકવીજેશન કરવાનો થતો હોવાથી જે વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી પાસે રૂ.૩૫,૦૦૦ લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી મેહુલ પટેલને મળતા તેણે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. બંને આરોપીઓ સ્થળ પર પકડાયા હતા.
આ પણ વાંચોઃ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર