Surat: સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી નિધન, ઘરનો એક માત્ર કમાનાર વ્યક્તિ હતો
Surat News: ટેલરિંગનું કામ કરતાં જયેશભાઈ પટેલ આજે સવારે બાથરૂમમાં ન્હાવા જતા હતા ત્યારે અચાનક અટેક આવ્યો હતો
Surat News: સુરતમાં હાર્ટએટેકથી વધુ એક વ્યક્તિનું નિધન થયું છે. શહેરના અઠવા વિસ્તારમાં 42 વર્ષીય વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું છે. ટેલરિંગનું કામ કરતાં જયેશભાઈ પટેલ આજે સવારે બાથરૂમમાં ન્હાવા જતા હતા ત્યારે અચાનક અટેક આવ્યો હતો.જેના કારણે ઢળી પડતાં પરિવારજનો સારવાર અર્થે નવી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેઓ ઘરમાં કમાવાવાળા એકના એક હતા. પતિના નિધનથી પત્નીએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.
તાજેતરમાં સુરતના પાલ વિસ્તારમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું હતું. રીક્ષા ચાલક રીક્ષામાં બેઠા બેઠા ઢળી પડ્યો હતો. નાનપુરાના હબીબસહા મોહલ્લમાં રહેતા રીક્ષા ચાલક ગુલામનબી શેખની લાશ રીક્ષામાંથી મળી આવી હતી. તેની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. રીક્ષા ચાલકના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.
થોડા દિવસ પહેલા એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટએટેકથી થયા હતા મોત
સુરતમાં પણ વધુ બે વ્યક્તિઓના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતમાં એક સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા. એક સોસાયટીમાં રહેતા 18 વર્ષીય કમલેશ નામના યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. કમલેશને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ 45 વર્ષીય રિક્ષા ચાલકનું હાર્ટ અટેકથી મોત થયુ હતું. નફીજ ખાનને છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ખટોદરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.
આ લક્ષણોને ન કરો નજર અંદાજ
- માથામાં દુખાવો થવો
- વધુ પરસેવો આવવો
- નાડીનું તેજ ચાલવું
- ધબકારા વધી જવા
- ઉલ્ટી થવી
- નબળાઇ અનુભવવી
કેવી રીતે કરશો બચાવ
ગરમીમાં હાર્ટઅટેકથી બચવા માટે સખત ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઇએ. ગરમીમાં હાર્ડ વર્ક કરવાનું ટાળવું જોઇએ અને શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ. જો ગરમીમાં અસહજ મહેસૂસ થાય કે ઉપરોક્ત કોઇ આવા કોઇ લક્ષણો દેખાય તો ઠંડી જગ્યાએ જતું રહેવું અને આરામ કરવો અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.