Omicron Gujarat : ગુજરાતના આ મોટા શહેરમાં વેક્સિનના બંને ડોઝ નહીં લીધા હોય તો નોકરી નહીં મળે
સુરતમાં બન્ને એકમોમાં વેકસીનના બે ડોઝ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. નો વેક્સિન નો સર્વિસ ના બોર્ડ લગાડવા ઉદ્યોગોને કડક સૂચના આપવામાં આવી છે.
સુરત : ગુજરાતાં ઓમિક્રોનની એન્ટ્રી થયા પછી વધતા સંક્રમણને ધ્યાને લઇ હીરા અને કાપડના ઉદ્યોગોને પાલિકાએ આદેશ કર્યો છે. બન્ને એકમોમાં વેકસીનના બે ડોઝ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. નો વેક્સિન નો સર્વિસ ના બોર્ડ લગાડવા ઉદ્યોગોને કડક સૂચના આપવામાં આવી છે.
હીરાના એકમો, ટેકસટાઇલ માર્કેટ,કાપડના કારખાનાઓ, જીઆઇડીસી વિસ્તાર, લુમ્સ અને એમ્બ્રોયડરી એકમો, વેકસીનના બે ડોઝ ફરજીયાત કરી દેવાયા છે. આ લોકોને બીજો ડોઝ આપવા માટે પાલિકા દ્વારા ૧૩મી ડીસેમ્બરના રોજ મેગા વેકસીન કેમ્પનું આયોજન કરાયું છે. બીજો ડોઝ બાકી લોકોની સંખ્યા વરાછા, કતારગામ, ઉધના, લિંબાયત ઝોનમાં સૌથી વધુ છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 39 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,339 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,82,740 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશને સાત, ભાવનગર કોર્પોરેશનમાં છ, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, વલસાડમાં ચાર, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં બે, નવસારીમાં બે, અમદાવાદમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક, જૂનાગઢમાં એક, કચ્છમાં એક, રાજકોટમાં એક, અને વડોદરામાં એક કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 372 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. 8,17,339 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 21 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1092 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12,335 નાગરિકોને રસીનો પ્રથમ અને 87,763 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40,345 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,41,184 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,82,740 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,35,26,458 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.