(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
સુરત લોકસભાના 19 લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કરાયો છે.
Lok Sabha Election 2024: ચાર દિવસથી ગુમ થયેલા નિલેશ કુંભાણીના હવે સુરત શહેરમાં પોસ્ટર લાગ્યા છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ બ્રિજ પર પોસ્ટર લગાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયા છે. આટલું જ નહીં પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા છે. સુરત લોકસભાના 19 લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કરાયો છે. તો પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડવા અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. ‘જનતાનો ગદ્દાર’, ‘લોકશાહીનો હત્યારો’ જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે.
નોંધનીય છે કે સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થાય તેવી ચર્ચા છે. આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કુંભાણીને આવકારવા ભાજપની તૈયારી પૂર્ણ થઈ છે. સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેથી સુરત બેઠક પર ઈતિહાસ રચાયો હતો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા.
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા હતા. કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે લોકોને સંબોધતા પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા હતા. કુંભાણીને કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ખુલ્લી ચીમકી આપી હતી કે હું કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી છોડીશ નહીં. સુરતમાં કુંભાણી રહેશે અથવા હું રહીશ. નિલેશ ભાજપમાં જોડાય તો તે ગદ્દાર છે તે સાબિત થશે. સાત તારીખના મતદાન પછી મારા કાર્યક્રમ હશે. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે. પ્રતાપ દૂધાતે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યુ હતું.