Surat: ‘શિક્ષિકા અને સગીર વચ્ચે હતા શારીરિક સંબંધ’, બંન્ને વચ્ચે થયેલી ચેટથી થયો ખુલાસો
FSL રિપોર્ટ અનુસાર મૃતક પાટીદાર શિક્ષિકા અને સગીર વચ્ચે જી-મેલમાં ઘણી બધી વાતચીત થઈ હતી.

સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં પાટીદાર શિક્ષિકા અને આરોપી વચ્ચે શારીરિક સંબંધ હતા અને શિક્ષિકાએ બે વાર ગર્ભપાત પણ કરાવ્યો હતો. સાથે જ તેને બળજબરીપૂર્વક નશીલો પદાર્થ પણ આપવામાં આવતો હતો. આ તમામ વાતોનો ખુલાસો યુવતી અને આરોપી વચ્ચે થયેલી ચેટમાંથી થયો હતો. પાટીદાર શિક્ષિકાના મોબાઇલના 3 હજાર પાનાના FSL રિપોર્ટ અનુસાર મૃતક પાટીદાર શિક્ષિકા અને સગીર વચ્ચે જી-મેલમાં ઘણી બધી વાતચીત થઈ હતી. શારિરીક સંબંધના કારણે મૃતકને ગર્ભ પણ રહી ગયો હતો અને તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. એટલું જ નહીં બંને વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈને આરોપીએ મૃતકનું ગળું દબાવી દીધું એવી પણ હકીકત ચેટમાં સામે આવી હતી. આ સમયે મૃતકની ઉંમર 18 વર્ષથી નીચેની હતી,જેથી હવે આરોપી સામે પોક્સોની કલમ લગાવવાની પણ રજૂઆત કરાઈ હતી. આ કેસમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે. હાલ તો મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી કિશોર જુવેનાઈલ હોમમાં અને તેના પિતા જેલમાં છે. સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
સુરત નાનીવેડ વિસ્તારમાં પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં FSLના 3000 પાનાંના આવેલા રિપોર્ટ બાદ મોટા ખુલાસાઓ થયા છે. પોલીસે જી-મેલ ચેટનું એનાલિસિસ કરતાં સામે આવ્યું કે પાટીદાર શિક્ષિકા સાથે સગીર આરોપીએ અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બેવાર ગર્ભપાત પણ કરાવ્યો હતો. સગીર આરોપીએ જામીન અરજી કરતાં ફરિયાદીના વકીલે આ મામલે દલીલ પણ કરી છે, સાથે જ ગર્ભપાતની કલમ અને પોક્સોની કલમનો ઉમેરો કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
ફરિયાદીના વકીલ પીયૂષ માંગુકિયાએ જણાવ્યું હતું કે સગીર આરોપીએ જામીન અરજી કરી હતી. એ સેશન કોર્ટમાં જામીન અરજીના સંદર્ભે ફરિયાદીના વકીલ તરીકે સોગંદનામું રજૂ કર્યું હતું. સોગંદનામામાં જણાવ્યું હતું કે મૃતક શિક્ષિકાનો મોબાઇલ FSLમાં મોકલવામાં આવ્યો હતો, એનો FSL રિપોર્ટ આવ્યો છે. એ 3000 કરતાં વધુ પેજનો છે. FSLના રિપોર્ટને જોતાં લાગી રહ્યું છે કે મૃતક શિક્ષિકા અને સગીર વચ્ચે જી-મેલમાં ઘણી બધી વાતચીત થયેલી છે. FSL દ્વારા એ વાતચીતની ચેટ આપવામાં આવી છે. એ ચેટ જોતાં મૃતક યુવતી અને સગીર વચ્ચે શરીરસંબંધ હતો અને એ હકીકત રેકોર્ડ પર આવી છે. એ શરીરસંબંધના કારણે મૃતકને ગર્ભ પણ રહી ગયો હતો અને તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો.
નોંધનીય છે કે કતારગામના નાની વેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકાએ 13 જૂલાઈના રોજ સાંજે પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના પિતાએ તેના મોત માટે સગીર અને તેના પિતાને જવાબદાર ઠેરવી ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસે સગીરની અટકાયત અને પિતાની ધરપકડ કરી હતી.
એફએસએલ રિપોર્ટમાં મૃતક શિક્ષિકા અને સગીર વચ્ચે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલી મોબાઈલ વોટ્સએપ અને જીમેલ ચેટીંગ અંગેના ડેટા એકત્ર મેળવવામાં આવ્યા છે. ત્રણ હજાર પાનાંનો રિપોર્ટ એફએસએલ દ્ધારા તૈયાર કરવામાં આવ્યો છે જે રિપોર્ટ સિંગણપોર પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાયો હતો. કેસની આગામી સુનાવણી 1, સપ્ટેમ્બરના રોજ થશે.





















