Surat Fire: સુરતની મિશન હોસ્પિટલમાં લાગી ભયંકર આગ, દર્દીઓનું રેસ્ક્યૂ, 15 ફાયર ફાઈટર સ્થળ પર
સુરતમાં ફરી એક વખત ભયંકર આગની ઘટના બની છે. શહેરમાં હોસ્પિટલમાં આ આગની ઘટના સામે આવી છે. અઠવાલાઇન્સ સ્થિત મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે.

સુરત: સુરતમાં ફરી એક વખત ભયંકર આગની ઘટના બની છે. શહેરમાં હોસ્પિટલમાં આ આગની ઘટના સામે આવી છે. અઠવાલાઇન્સ સ્થિત મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 15 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગ લાગવાને પગલે હોસ્પિટલમાં નાસભાગ અને દોડધામ મચી ગઈ છે. હોસ્પિટલમાંથી દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે.
મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા રેસ્ક્યૂ કરાયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
દર્દીઓને ફાયર જવાનો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા
હોસ્પિટલમાં સામાન્ય સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓનું સ્ટાફ દ્વારા જ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ક્રિટિકલ દર્દીઓને ફાયર જવાનો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. સુરત શહેરના અઠવાલાઇન્સની આ મિશન હોસ્પિટલમાં આગ લાગતા ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આ આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. દર્દી, ડોક્ટર, દર્દીના સગા અને હોસ્પિટલ સ્ટાફ સહિતનાં તમામ લોકોને સુરક્ષીત રીતે રેસ્ક્યૂ કરવામાં સફળ રહ્યા છે. સુરત પોલીસ દ્વારા આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જો કે હજી પણ કેટલાક લોકો ફસાયેલા હોવાનું લોકો દાવો કરી રહ્યા છે. જે અંગે અધિકારીક રીતે કોઇ માહિતી સામે આવી નથી. જો કે આગ લાગવાનું કારણ પણ સામે આવ્યું નથી.





















