Surat : કામદારની હત્યા કેસમાં થયો મોટો ખુલાસો, સાથી કામદારે કેમ કરી હત્યા? કારણ જાણીને ચોંકી જશો
પલસાણાની મિલમાં યુવકનું આકસ્મિક મોત નહીં પણ ઈરાદા પૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સાથી કામદારે મૃતકને ઈરાદા પૂર્વક કાપડના તાકા નીચે દબાવી દિધો હોવાનું સીસીટીવીમાં ખુલ્યું છે.
સુરતઃ પલસાણાની મિલમાં યુવકનું આકસ્મિક મોત નહીં પણ ઈરાદા પૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સાથી કામદારે મૃતકને ઈરાદા પૂર્વક કાપડના તાકા નીચે દબાવી દિધો હોવાનું સીસીટીવીમાં ખુલ્યું છે. ગ્રે કાપડ બનાવતી મિલમાંથી ત્રણ દિવસ અગાઉ તીવ્ર દુર્ગંધ આવતા મિલમાં તપાસ કરતા કાપડના તાકાના ઢગલા નીચેથી મિલના કામદારનો ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પલસાણા પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ કરાવતા શ્વાસ રૂંધાઇ જવાથી કામદારનું મોત થયું હોવાનું ખુલ્યું હતું. જોકે પોલીસને શંકા જતા પોલીસ દ્વારા મિલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા મૃતકનું આકસ્મિક મોત નહીં પરંતુ ઈરાદા પૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં મૃતક જયારે કાપડના તાકા પાસે બેઠો હતો. આ સમયે અન્ય કામદારે આવીને ઈરાદાપૂર્વક મૃતક પર કાપડના તાકા નાખી યુવકને દબાવી દીધો હતો. હાલ પલસાણા પોલીસે આરોપીની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
હવે મરનારની પત્ની સાથે હત્યા કરનારને એકતરફી પ્રેમ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આકાશબાબુ રામબહાદુર કોરી (ઉં.વ.21 મૂળ રહે. મધ્યપ્રદેશ) પત્ની સાથે રહેતો હતો અને ઇકો ટેક્સટાઇલ પાર્કમાં રતન પ્રિયા મિલમાં કામ કરતો હતો. આકાશબાબુ સાથે લક્ષ્મણ ગિરજાશંકર પણ કામ કરતો હતો. લક્ષ્મણ આકાશબાબુની પત્નીને એકતરફી પ્રેમ કરતો હતો. લક્ષ્મણે અગાઉ આકાશબાબુની પત્નીને છેડતી કરવા પ્રયત્ન કરતાં આકાશબાબુ તથા તેના વતનમાં અન્ય લોકોએ ઠપકો આપ્યો હતો, જે લક્ષ્મણે મનમાં રાખી મૂક્યો હતો.
ગત 14મીએ રાત્રે આકાશબાબુ કાપડના તાકા નજીક ઊંઘી ગયો હતો. એ સમયે લક્ષ્મણે કાપડના તાકા આકાશબાબુ પર નાખી દીધા હતા. આકાશબાબુ દટાઈ જતાં મોત થયું હતું. ગુરુવાર સવારે કાપડના તાકામાંથી દુર્ગંધ આવતાં કાપડના તાકા ખસેડતાં આકાશબાબુની સળી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પોલીસે લક્ષ્મણની પ્રાથમિક પૂછપરછ કરતાં આકાશબાબુની પત્નીને એકતરફી પ્રેમ કરતો હતો અને તેને એક વખત પકડવા જતાં આકાશબાબુ અને તેના વતનના અન્ય લોકોએ ઠપકો આપ્યો હતો. પોલીસે અકસ્માત બાદ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.