(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના કોસોનો રાફડો ફાટતાં સ્કૂલ-કોલેજો,ક્લાસ બંધ, હવે માત્ર ઓનલાઈન શિક્ષણ
ડાયમંડનગરી સુરતમાં વિદ્યાર્થીઓ સતત કોરોનાનો શિકાર બની રહ્યા છે. જેને લઈ તમામ ઓફલાઈન શાળા-કોલેજ તથા ટ્યુશન કલાસીસ બંધ કરી દેવામાં આવ્યા છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે.
સુરત: કોરોના સંક્રમણે ફરી ફૂંફાડો માર્યો છે. શહેર-જિલ્લામાં કોરોનાએ ફરીથી અજગરી ભરડો કસવાનું શરૂ કર્યું છે. સુરતમાં ફરી એક વખત કોરોના બેકાબૂ બન્યો છે અને છેલ્લા થોડા દિવસોથી અમદાવાદ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ડાયમંડનગરી સુરતમાં વિદ્યાર્થીઓ સતત કોરોનાનો શિકાર બની રહ્યા છે. જેને લઈ તમામ ઓફલાઈન શાળા-કોલેજ તથા ટ્યુશન કલાસીસ બંધ કરી દેવામાં આવ્યા છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે.
સુરતની શાળાઓમાં અત્યાર સુધીમાં કુલ 178 વિદ્યાર્થીઓનો કોરોનો પોઝિટિવ આવ્યો છે. જે બાદ તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરાયું છે અને બેદરકારી દાખવતી શાળાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ દરમિયાન સરુતના શહેરીજનોને મનપા કમિશ્રરે ઓડિયો મેસેજ જાહેર કરીને અપીલ કરી હતી. તેમણે કહ્યું, શહેરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે અને બહારથી આવતા લોકો ક્વોરન્ટાઈન રહે. ધનવંતરી રથ દ્વારા જાણવામાં આવેલ છે કે જે કોવિડના કેસો આવે છે તેમાં કોરોના અને તાવનો ત્રણ ગણો વધારો થયેલ છે જે ચિંતાજનક બાબત છે. આજે પણ સ્કૂલ કોલેજમાં 39 કેસ નોંધાયા છે.
મહિલાઓમાં પોઝિટિવિટી રેશિયો પહેલા 30 ટકા હતો જે વધીને 45 ટકા થયો છે. અત્યારે કોવિડ 19ના લક્ષણો બદલાયા છે. હાલ ડાયરીયા, માથામાં દુખાવો, નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ રસીકરણ વધારે કરી રહ્યા છીએ. 111 સ્થળો પર રસીકરણ ચાલુ છે. 16 માર્ચે સુરત કોર્પોરેશનમાં 263 કેસ, સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 217 કેસ, શનિવાર, 13 માર્ચે 188 કેસ, શુક્રવાર, 12 માર્ચે 183 કેસ, ગુરુવાર, 11 માર્ચે 171 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં મંગળવારે 954 નવા કેસ નોંધાયા હતા જ્યારે 703 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966 એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908 લોકો સ્ટેબલ છે.