સુરતીઓ માટે ગર્વની વાત: સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024માં સુરતે દેશભરમાં મેળવ્યો પ્રથમ ક્રમ
સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં દેશભરના ૧૩૧ શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
સુરત: દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં દેશભરના ૧૩૧ શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
સુરત શહેર સૌથી ઝડપી વિકસિત થતા શહેર હોવા ઉપરાંત વર્ષ ર૦ર૩–ર૪ માં PM10 ના રજકણોમાં ૧ર.૭૧ % નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. ગત વર્ષ ૨૦૨૩માં યોજાયેલા ‘સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ’માં સુરત શહેરને ૧૩મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું. ૨૦૨૩માં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત કુલ ૨૦૦માંથી ૧૯૪ ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
સુરતની આ સિદ્ધિ બદલ આગામી તા.૦૭ સપ્ટે.ના રોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સભારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે રૂા.૧.પ કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુ. કમિશનરને અર્પણ કરાશે.
𝐒𝐮𝐫𝐚𝐭 𝐂𝐢𝐭𝐲 𝐫𝐚𝐧𝐤𝐞𝐝 𝟏𝐬𝐭 in India under Swachh Vayu Survekshan 2024 carried out by Ministry of Environment, Forest & Climate Change, GoI. This Survekshan assessed 131 cities of India for various air quality measures.@CMOGuj @moefcc pic.twitter.com/XCzkedQOhK
— My Surat (@MySuratMySMC) September 3, 2024
મેયર દક્ષેશ માવાણીએ પણ સુરત શહેરને શ્રેષ્ઠ બનાવવા સંકલ્પિત થઈ સૌ સુરતવાસીઓને સાથ સહકાર બદલ ખુબ આભાર વ્યક્ત કર્યો છે. મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમા નંબર ૧ બનાવવા બદલ શહેરના નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે, અને આ સફળતામાં સાથ-સહકાર આપવા બદલ શહેરીજનોનો આભાર વ્યક્ત કરી આ નાગરિકોની સિદ્ધિ હોવાનું જણાવ્યું હતું.
શું છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ?
ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન–એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં ૩૦ % ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વર્ષ ર૦૧૯ માં ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ’ની નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. શહેરોનું મુલ્યાંકન મુખ્યત્વે ૦૮ પરિબળોને આધારે થાય છે. જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલીશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ હોય છે.