વડોદરાની દીકરીને ન્યાય મળ્યો! સુરત કોર્ટે જૈન મુનિ શાંતિ સાગરને દુષ્કર્મ કેસમાં ૧૦ વર્ષની સજા સંભળાવી
નાનપુરા ઉપાશ્રયના મુનિએ વડોદરાની શ્રાવિકા પર આચર્યું હતું દુષ્કર્મ, ૮ વર્ષ જેલ ભોગવ્યા બાદ વધુ ૨ વર્ષ જેલમાં રહેશે.

Jain monk rape case: સુરતની કોર્ટે આજે નાનપુરાના જૈન ઉપાશ્રયના જૈન મુનિ શાંતિ સાગર ઉર્ફે સજ્જન લાલ શર્માને વડોદરાની શ્રાવિકા પર દુષ્કર્મ આચરવાના કેસમાં ૧૦ વર્ષની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે મુનિને ૨૫ હજાર રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ આપ્યો છે. મુનિ શાંતિ સાગર આ કેસમાં છેલ્લા ૮ વર્ષથી જેલમાં છે, એટલે હવે તેઓ વધુ ૨ વર્ષ જેલવાસ ભોગવશે.
આજે સવારથી જ સુરત કોર્ટમાં આ કેસની સજાને લઈને ભારે ઉત્તેજના હતી. સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલો દ્વારા ગઈકાલે આ કેસમાં પોતાની આખરી દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. નામદાર જજે આજે સાંજે ૫ વાગ્યે સજા સંભળાવવાનો સમય નક્કી કર્યો હતો, પરંતુ સજાનો ચુકાદો તે પહેલાં જ આવી ગયો હતો.
સરકારી વકીલે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી અને આરોપીને આકરી સજા થાય તે માટે પ્રયાસ કર્યા હતા. તેમણે પોતાની દલીલોની શરૂઆત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુના શ્લોક સાથે કરી હતી.
આ કેસ વડોદરાની એક શ્રાવિકા પર નાનપુરાના જૈન ઉપાશ્રયમાં જૈન મુનિ દ્વારા દુષ્કર્મ આચરવાને લગતો છે. સુરત કોર્ટે ગતરોજ આરોપી જૈન મુનિ શાંતિ સાગરજી ઉર્ફે સજ્જન લાલ શર્માને આ દુષ્કર્મ કેસમાં દોષી જાહેર કર્યા હતા. ત્યારબાદ આજે કોર્ટે તેમને સજા સંભળાવી છે. સજા અંગે સરકાર પક્ષે અને બચાવ પક્ષ વચ્ચે ઘણી દલીલો થઈ હતી, જેમાં સરકાર પક્ષે આરોપીને કડકથી કડક સજા થાય તે માટે જોરદાર પ્રયાસો કર્યા હતા.
આ દુષ્કર્મ કેસમાં કોર્ટે આઠ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે, જેમાં આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો છે. આ કેસમાં કુલ ૬૦ જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૨૫૦ પાનાંની ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી હતી. કોર્ટમાં પીડિતા, તેના માતા-પિતા અને ભાઈની જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં અલગ અલગ સાક્ષીઓને પણ તપાસવામાં આવ્યા હતા અને કલમ ૧૬૭ મુજબના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. મેડિકલ, સાયન્ટિફિક અને એફએસએલના પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
વડોદરાની આ શ્રાવિકા અને તેના પરિવારને જૈન મુનિએ સુરત બોલાવ્યા હતા. ત્યારબાદ તાંત્રિક વિધિ કરવાના બહાને શ્રાવિકાને બંધ રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસ સુરત કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં અંતે કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને આજે સજા સંભળાવી છે.
શું હતી ઘટના?
આ સમગ્ર મામલો નાનપુરાના જૈન ઉપાશ્રયના જૈન મુનિ શાંતિ સાગરજી ઉર્ફે સજ્જન લાલ શર્મા સાથે સંબંધિત હતો. તેમણે વડોદરાની એક યુવતીને ધાર્મિક વિધિ કરવાના બહાને સુરત બોલાવી હતી. ત્યારબાદ, તેઓ યુવતીને એકાંતમાં રૂમમાં લઈ ગયા અને ત્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદ દાખલ થતાં જ જૈન મુનિની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો અને આજે, સુનાવણીના અંતે, આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. પીડિતાના જણાવ્યા અનુસાર, તે જૈન મુનિના પ્રવચનોથી ખૂબ પ્રભાવિત હતી, જેના કારણે તેણે પોતાના પરિવાર સાથે તેમની ધાર્મિક વિધિ માટે સુરત આવવાનું નક્કી કર્યું હતું. મુનિએ રાત્રિરોકાણની વાત કરી અને પીડિતાને વિધિના નામે રૂમમાં લઈ જઈને મોરપિચ્છથી આખા શરીરે સ્પર્શ કર્યો હતો. ત્યારબાદ લાઇટો બંધ કરીને યુવતીની ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ હિંમત દાખવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અઠવા પોલીસે કેસ નોંધીને તુરંત જ નિવેદનો લીધા અને તેના આધારે જૈન મુનિ શાંતિસાગરની ઓક્ટોબર 2017 માં ધરપકડ કરી હતી. સમગ્ર કેસની તપાસ દરમિયાન પોલીસે મેડિકલ રિપોર્ટ, પીડિતાનું નિવેદન અને ડિજિટલ પુરાવાઓ એકત્રિત કરીને ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં આ કેસની લાંબી સુનાવણી ચાલી અને અંતે આજે જજે આરોપીને દોષિત ઠેરવ્યો છે.





















