રાજ્યભરમાં દોઢ મહિના સુધી યોજાશે જળસંચયનું આ મહાઅભિયાન, ભુપેન્દ્ર પટેલે મહેસાણાથી કરાવ્યો પ્રારંભ
વડાપ્રધાનના ‘કેચ ધ રેઈન’ આહવાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન-સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો પ્રારંભ, ૪ એપ્રિલથી ૩૧ મે સુધી ચાલશે આ મેગા ડ્રાઇવ.

Sujalam Sufalam Jal Abhiyan: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહવાનને સાકાર કરવા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડાથી ‘કેચ ધ રેઈન-સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સંગ્રહ અને સંચય કરીને ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવાનો છે.
આ જળસંચયનું મહાઅભિયાન તા. ૪ એપ્રિલ, ૨૦૨૫ થી શરૂ થઈને તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ અને શહેરી વિકાસ સહિતના છ જેટલા વિભાગો લોક ભાગીદારીને પ્રોત્સાહિત કરીને જળસંચય સંબંધિત કામો હાથ ધરશે.
આ અભિયાનમાં મુખ્યત્વે હયાત તળાવોને ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ (કાંપ દૂર કરવો), નહેરો અને કાંસની મરામત અને સાફસફાઈ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણીનો સંગ્રહ) જેવા કામો કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દવાડા ગામે જેસીબી દ્વારા ખોદકામ શરૂ કરાવીને આ અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી એ આ પ્રસંગે વરસાદી પાણીના દરેક ટીપાંનો સંગ્રહ કરવા અને પર્યાવરણની જાળવણી માટે ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ અભિયાનથી તળાવો અને ચેકડેમોને ઊંડા કરવાથી તેમજ નદીઓની સાફસફાઈથી વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાશે, જે ભવિષ્યમાં જળ સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૮ થી ૨૦૨૪ દરમિયાન ચલાવવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૧,૦૭,૬૦૮ થી વધુ કામો કરવામાં આવ્યા હતા. જેમાં તળાવો ઊંડા કરવાના અને નવા તળાવો બનાવવાના ૩૬,૯૭૯ કામો, ચેકડેમ ડીસીલ્ટીંગના ૨૪,૦૮૬ કામો અને ૬૬,૨૧૩ કિલોમીટર લંબાઈમાં નહેરો અને કાંસની સાફસફાઈના કામોનો સમાવેશ થાય છે. આ તમામ કામોના પરિણામે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં કુલ ૧,૧૯,૧૪૪ લાખ ઘન ફૂટનો વધારો થયો છે અને ૧૯૯.૬૦ લાખ માનવદિન રોજગારીનું પણ સર્જન થયું છે. આ અભિયાનની સફળતાને રાષ્ટ્રીય સ્તરે પણ બિરદાવવામાં આવી છે અને તેને બે સ્કોચ એવોર્ડ પણ મળ્યા છે.
‘કેચ ધ રેઈન-સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’ ગુજરાતમાં જળ સંચય અને પર્યાવરણની જાળવણીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ અભિયાનમાં લોકોની સક્રિય ભાગીદારીથી જળ સંસાધનોને સુરક્ષિત કરવામાં અને ભવિષ્યની પેઢીઓ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.





















