Surat: નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસથી બચવા ખાડો ખોદી છુપાવ્યો હતો જથ્થો
Surat: પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. 50 હજારની કિંમતની નાની-મોટી 374 બોટલો મળી આવી હતી.
Surat News: ડાયમંડ નગરી સુરતના પલસાણાના તાતીથૈયા ખાતેથી નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સ્વામિનારાયણ એસ્ટેટ ની એક બિલ્ડીંગના રૂમમાં દારૂ બનાવી રિપેકિંગ કરવામાં આવી રહ્યું હતું. અલગ અલગ પ્રકારના પ્રવાહી કેમિકલ મિશ્રણ કરી દારૂ બનાવાઈ રહ્યો હતો. 50 હજારની કિંમતની નાની-મોટી 374 બોટલો મળી આવી હતી. 15 લીટર અન્ય પ્રવાહી, ઢાંકણ, સ્ટીકર તેમજ દારૂની જૂની ખાલી બોટલો મળી 67 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. દારૂની બોટલો તૈયાર કરી જમીન ખાડો ખોદી છુપાવવામાં આવ્યો હતો.
થોડા દિવસો પહેલા સુરત પીસીબી પોલીસને સુરત શહેરમાંથી કેમિકલવાળો નકલી ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી પકડવામાં મોટી સફળતા મળી હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરને કુલ 9,28,320ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના હાથે જે બે શખ્સો પકડાયા તે બંને આ કેમિકલ વાળો દારૂ બનાવતા હતા અને તે બંને રીઢા આરોપી હોવાનું સામે આવ્યું હતું. શહેર પીસીબી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે, ઈચ્છાપોર વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરની પોશ સોસાયટીમાં એક બંગલામાં બે શખ્સો કેમિકલવાળો ઇંગ્લિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચલાવી રહ્યા છે. ત્યારે આ બાદમીના આધારેના ઈચ્છાપોર ડાયમંડ નગર હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર 63માં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દરોડા દરમિયાન પોલીસને કલ્પેશ શામરીયા અને દુર્ગાશંકર ખટીક નામના બે શખસોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. કલ્પેશ શામરીયા જમીન દલાલીનો ધંધો કરે છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તે સુરતના ઉમરા વિસ્તારમાં પાર્લે પોઇન્ટ પાસે આવેલી સરિતા દર્શન સોસાયટીનો રહેવાસી છે. આ ઉપરાંત દુર્ગાશંકર ખટીક મૂળ રાજસ્થાન રહેવાસી છે અને તે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આ બંગલામાં તપાસ કરતા અલગ-અલગ કંપનીની નાની મોટી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ ઉપરાંત અલગ-અલગ કંપનીના સ્ટીકરો મળી આવ્યા હતા. આ ઉપરાંત 40 લીટરની કેપેસિટી વાળા પ્લાસ્ટિકના ત્રણ કેરબા કે જેમાં બનાવટી ઇંગ્લિશ દારૂ ભરેલો હતો તે મળી આવ્યા હતા. સાથે જ 750 એમએલ રંગવિહીન પ્રવાહી પણ પોલીસને મળ્યું હતું. આ ઉપરાંત અન્ય પણ અલગ-અલગ પ્રકારના કેમિકલો દારૂની નાની મોટી બોટલના ઢાંકણાઓ સહિતની વસ્તુ પોલીસને મળી આવી હતી.