Surat: હાર્દિક પટેલના કયા સાથીની SOG એ એટ્રોસિટીના કેસમાં ધરપકડ કરી ? જાણો શું છે મામલો
જેકિશનભાઇ વસાવાએ અલ્પેશ કથીરીયા તથા અજાણ્યા સામે એટ્રોસીટી એકટ મુજબ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા એસોજીના પીઆઈએ શનિવારની મોડી રાત્રે સુરતથી અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી.
સુરતઃ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની કામરેજ એસઓજી પોલીસે ગત રાતે ધરપકડ કરી હતી. હાર્દિક પટેલના સાથી કથીરિયાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે થયેલી માથાકૂટ મામલે ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદી અને અલ્પેશ કથીરિયા વચ્ચે મારામારી થઈ હતી. જે બાદ કામરેજ પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો હતો.
શું હતો મામલો
ગત મહિનાની 21 તારીખે સુરત મનપાની ચૂંટણી દરમિયાન પાસનાં નેતા અલ્પેશ કથીરીયાની આગેવાનીમાં 50થી60 બાઇક પર તથા કારમાં આવેલા 150થી 200 માણસોએ બીટીપીનાં કાર્યકરોને જાતિ વિષયક ગાળો આપી લાકડાનાં ફટકા અને પથ્થરથી માર માર્યો હતો. 3000 રૂપિયાની લૂંટ કરી મારૂતિવાનના કાચ તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે અલ્પેશ કથીરીયા અને અન્યો સામે એટ્રોસીટીની ફરિયાદ થઇ હતી. જેમાં સુરત જિલ્લા એસઓજી પોલીસે શનિવારે મોડી રાત્રે સુરતથી અલ્પેશ કથિરિયાની ધરપકડ કરી હતી.
વેલંજા પ્રાથમિક શાળામાં મતદાનની પ્રક્રિયા ચાલતી હતી. BTPનાં કાર્યકર જેકિશનભાઇ વસાવા તેમની મારૂતિવાનમાં તેમના બે દિકરા જેનીશકુમાર, જશપ્રિત, બીજા કાર્યકર અંકિત ગામીત, સાગર રાઠોડ અને કિરણ ગામીત વગેરે વેલંજાનાં ચાર રસ્તા પાસે સ્કૂલ તરફ જતા હતાં. ત્યારે રોડની બાજુમાં વાનમાં બેસી તેમનાં મહોલ્લાનાં માણસોને સ્લીપ વહેંચણી કરતા હતા. સાંજનાં 4.00 વાગે રંગોલી ચોકડી તરફથી 50થી 60 બાઇક અને કારમાં જય સરદાર લખેલી પીળી ટોપી પહેરેલા અલ્પેશ કથીરીયા સહિત 150થી 200 પાસનાં કાર્યકરો આવ્યા હતાં.
વાનમાં બેઠેલા સાગરભાઇ રાઠોડે તેનાં મોબાઇલમાં વીડિયો ઉતારતો હતો. તે જોતા ટોળાએ મારૂતિવાનને ઘેરી વિડિયો કેમ ઉતારો છો ? તેમ કહી ગાળો આપી કોણ છો એમ પુછતા, અમે છોટુભાઇ વસાવાનાં માણસો છે. તેમ જણાવ્યું હતું. તેમ કહેતા તમે આદિવાસી નહીં સુધરો કોણે બોલાવેલા છે? તમને જીવતા સળગાવી દઇશું, તથા જાનથી મારી નાંખીશું. તેમ કહી લાકડાનાં ફટકા અને પથ્થરોથી મારતા જેકિશનભાઇને ઇજા પહોંચી હતી.
જેકિશનભાઇ વસાવાએ અલ્પેશ કથીરીયા તથા અજાણ્યા સામે એટ્રોસીટી એકટ મુજબ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા એસોજીના પીઆઈએ શનિવારની મોડી રાત્રે સુરતથી અલ્પેશ કથિરીયાની ધરપકડ કરી હતી.