સુરતઃ આધુનિક ટેક્નોલોજીની મદદથી મજૂરાગેટ ફાયર સ્ટેશન તોડી પડાયું, 7 સેકન્ડમાં જ પત્તાના મહેલની જેમ ઇમારત નીચે બેસી ગઈ
આ જર્જરિત બિલ્ડીંગનું ડિમોલિશનનું કામ છેલ્લા એક અઠવાડિયાથી કરવામાં આવી રહ્યું હતું.
સુરત: સુરતના મજૂરાગેટ વિસ્તારમાં આવેલું ફાયર સ્ટેશન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી ફાયર સ્ટેશન જર્જરિત હાલતમાં હતુ. જેથી ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગને ખાલી કરીને તોડવામાં આવી. આધુનિક ટેકનોલોજીની મદદથી ફક્ત 7 સેકન્ડમાં જ બિલ્ડિંગને તોડી પડાઇ હતી. જેના કારણે સમગ્ર બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ. અત્રે નોંધનીય છે કે, તે છેલ્લા 2 વર્ષથી તો ખાલી જ હતું. જેના કારણે લાંબા સમયથી તેના ડિમોલેશનની ચર્ચા પણ ચાલી રહી હતી. જો કે ફાયર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતીથી બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું.
આ જર્જરિત બિલ્ડીંગનું ડિમોલિશનનું કામ છેલ્લા એક અઠવાડિયાથી કરવામાં આવી રહ્યું હતું. અંતે આ બિલ્ડીંગનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું. મળતી માહિતી મુજબ બિલ્ડીંગ મશીનની મદદથી તોડવામાં આવી રહી હતી અને બિલ્ડિંગ એકાએક પત્તાના મહેલની જેમ તૂટી પડી. ફાયર વિભાગના અનુસાર જર્જરિત થયેલા બિલ્ડીંગને ડિમોલીશ કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો બિલ્ડીંગના તમામ પિલ્લોર નબળા કરી દેવાયા હતા. ત્યાર બાદ પાલીકાએ બિલ્ડિંગ ઉતારી લીધું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ સાવચેતી પણ રખાઇ હતી.
પાલિકા બિલ્ડિંગ નજીક મહત્વનો માર્ગ પસાર થઇ રહ્યો હોવાનાં કારણે તે રોડ બ્લોક કરી શકાય તેમ નથી. જેના કારણે ચાલુ વાહન વ્યવહારે જ વૈજ્ઞાનિક રીતે જ બિલ્ડિંગ તોડી પડાયું હતું. આ દરમિયાન વાહન વ્યવહાર ચાલુ હતો અને અચાનક આ બિલ્ડીંગ પડી જતા લોકો ચોંકી ગયા હતા.
આ બિલ્ડીંગ તોડવામાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેક્નોલોજીના કારણે આસપાસના બિલ્ડિંગને જરા પણ નુકસાન ન થાય તે રીતે જે સ્થળે બિલ્ડિંગ ઉભુ હોય ત્યાં જ બેસી પડે છે. ટુંક જ સમયમાં અહીં બીજુ ફાયર સ્ટે્શનની કામગીરી શરૂ થશે. અત્રે નોંધનીય છે કે, કોરોના કાળ હોવાને કારણે બિલ્ડિંગ ઉતારવામાં સમય લાગ્યો હતો.