(Source: ECI/ABP News/ABP Majha)
પોલીસકર્મીઓના ત્રાસથી સ્મીમેર હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવરે જાહેરમાં ગળુ કાપ્યું
સ્મીમેર હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના સામે આવી. પોસ્ટમોર્ટમના પંચનામામાં સહી કરવા મુદ્દે ત્રસ્ત એમ્બ્યુલન્સ ડ્રાઈવરે PM રૂમ પાસે જ ગળું કાપ્યું. સ્મીમેર બહાર ડ્રાઇવરે વીડિયો બનાવ્યા બાદ ગળે બ્લેડ મારી દીધી.
સુરત: સ્મીમેર હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોસ્ટમોર્ટમના પંચનામામાં સહી કરવા મુદ્દે ત્રસ્ત એમ્બ્યુલન્સ ડ્રાઈવરે PM રૂમ પાસે જ ગળું કાપ્યું છે. સ્મીમેર બહાર ડ્રાઇવરે વીડિયો બનાવ્યા બાદ પોતાના ગળે બ્લેડ મારી દેતા ચકચાર મચી જવા પામી છે. આ વીડિયોમાં તેમણે 3 પોલીસવાળા ઉપરાંત વિજય નામના વ્યક્તિને જવાબદાર ઠેરવ્યા છે. સ્મીમેર બહાર દર્દીઓને લાવતી લઇ જતી એમ્બયુલેન્સ પૈકી એક એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પોસ્ટમોર્ટમ રૂમની બહાર ગળુ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
ડ્રાઈવરે આત્મહત્યાનો વીડિયો બનાવ્યો
પોસ્ટમોર્ટમમાં તે ખોટા સાક્ષી બનાવી બળજબરીથી પંચનામા પર સહી કરાવતા હતા. જો તે ન કરે તો તેઓ તેને ધમકી આપતા હતા. ઈમરાને પોલીસ અને વિજય પર ડરાવવાનો આરોપ લગાવ્યો હતો. વીડિયો બનાવીને ઈમરાને સ્મીમેર મેડિકલ કોલેજના પીએમ રૂમ બહાર તેનું ગળુ કાપી નાખ્યું હતું. જોકે તેને તાત્કાલિક સરવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.લોકોએ તરત જ તેને સ્ટ્રેચર પર બેસાડી સારવાર માટે દાખલ કર્યો હતો. ઓપરેશન થિયેટરમાં હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. મારી જેમ અન્ય કોઈ સાથે આવું ન થાય તેથી ગુનેગારોને સખતમાં સખત સજા મળવી જોઈએ.
વીડિયોમાં ઈમરાને જણાવ્યું હતું કે પોલીસકર્મીઓએ મારી પાસે ડેડ બોડી માટે સાક્ષી પંચનામામાં બે વખત સહી કરાવી હતી, બંને વખત મને કોર્ટમાંથી સમન્સ મળ્યા છે. મારી પાસે હવે કોર્ટમાં જવા માટે પૈસા બચ્યા નથી. હું મેડિકલ એમ્બ્યુલન્સ ડ્રાઈવર છું. મારી માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી હું બીજો કોઈ રસ્તો જોઈ શકતો નથી. હું હાલમાં 10 કેસમાં કોર્ટમાં તારીખો પર જઈ રહ્યો છું. હું મૃતકને ઓળખતો પણ નથી હોતો. પોલીસે બળપૂર્વક મને સાક્ષી બનાવીને સહી લીધી છે. ત્રણેય પોલીસકર્મીઓ કયા સ્ટેશનના છે તે મને ખબર નથી. વિજય અને ત્રણેય પોલીસકર્મીઓથી ત્રાસી હું આત્મહત્યા કરી રહ્યો છું. હું તેમના જુલમથી કંટાળી ગયો છું. અન્ય કોઈ સાથે મારા જેવું ન થાય તેથી તેમને સખત સજા થવી જોઈએ તો જ મને ન્યાય મળશે.